________________
૬૮
પ્રભાવક સ્થવિરો
શ્રી બુદ્ધિસાગરજીએ ઘણાં પદો, ભજનો, સ્તવનો લખ્યાં, મોટી પૂજાઓ લખી તથા સંસ્કૃતમાં શ્લોકરચનાઓ કરી એ એમની વિકસિત કવિત્વશક્તિનાં બીજ કિશોરાવસ્થાની એમની કાવપ્રવૃત્તિઓમાં જોઈ શકાય છે. એમની પાસે નૈસર્ગિક કાવ્યશક્તિ હતી તેની એ પ્રતીતિ કરાવે છે.
શાળાના મિત્રો સાથે બહેચરદાસ ગામની સીમમાં, ખેતરોમાં ફરવા, રખડવા જતા. બહેચરદાસ શરીરે ખડતલ હતા. ઝાડ ઉપર ચડીને કૂદકો મારતા. એમને તરવાનું આવડતું નહિ. પાણીમાં પડતાં ડર લાગતો. એક દિવસ ગામના તળાવની પાળે ઊભા હતા ત્યાં પાછળથી એક મિત્રે ધક્કો માર્યો. ઊંડા પાણીમાં પડ્યા. હવે હાથપગ હલાવ્યા વગર છૂટકો નહોતો. હાથપગ જોરથી હલાવ્યા અને ઊંડા પાણીમાંથી બહાર આવ્યા. એમ કરતાં કરતાં તરવાનું શીખી ગયા. પછી તરવામાં એક્કા થઈ ગયા અને ગામના બીજા છોકરાઓને પણ શીખવવા લાગ્યા હતા. પોતાની શારીરિક તાકાત, નિર્ભયતા અને મનોબળ વડે બહેચરદાસ ગામના બધા છોકરાઓના નેતા જેવા બની ગયા હતા.
એવામાં વીજાપુરમાં વિસાગર નામના જૈનાચાર્ય પધાર્યા હતા. એક દિવસ સવારમાં ગામને પાદર તેઓ સ્થંડિલ માટે જતા હતા ત્યારે બે ભેંસો લડતી લડતી રવિસાગર તરફ ધસતી હતી. બહેચરદાસે એ દૃશ્ય જોયું. એમને ભય લાગ્યો કે રખેને આ ભેંસો જૈન મહારાજને અડફેટમાં લઈ પાડશે તો મહારાજ મોતના પંજામાં પડશે. એટલે એમણે પોતાના હાથમાં રહેલી ડાંગ એક ભેંસને જોરથી ફટકારી. એથી બંને ભેંસો છૂટી પડીને ચાલી ગઈ. રવિસાગરજી બચી ગયા. પરંતુ એ દૃશ્ય જોનાર રવિસાગરજી મહારાજે બહેચરદાસને પાસે બોલાવી પ્રેમથી કહ્યું, ‘ભાઈ ! મૂંગા ઢોરને આમ મરાય નહિ. એને કેટલું દુઃખ થાય !'
રવિસાગરજી મહારાજે જે વાત્સલ્યભાવથી થોડા શબ્દોમાં આ શિખામણ આપી તે બહેચરદાસના હૃદયમાં એવી સોંસરી ઊતરી ગઈ કે જાણે કે આ ઘટનાએ એમના સમગ્ર જીવનમાં પરિવર્તન કરી નાખ્યું. આ કોઈ મોટા મહાત્મા છે, એમના પરિચયમાં આવવા જેવું છે એવી અંતરમાં તરત પ્રતીતિ થઈ ગઈ. ઉપાશ્રય જઈ રવિસાગરજી મહારાજનો વધુ પરિચય કર્યો અને પૂર્વના કોઈ ઋણાનુબંધથી રવિસાગરજી મહારાજને પણ બહેચરદાસના જીવનમાં રસ પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org