________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૨૭
દશેરાને દિવસે પશુબલિ ચડાવવામાં આવતો એ પ્રથા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
ઉદયપુરથી વિહાર કરી, કેસરિયાજી તીર્થની યાત્રા કરી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ વગેરે સ્થળે મુકામ કરી મહારાજશ્રી રાજનગર અમદાવાદમાં પધાર્યા અને ત્યાં શાહપુરના ઉપાશ્રયમાં ઊતર્યા. મહારાજશ્રી પંદર વર્ષે ગુજરાતમાં પાછા ફરતા હતા અને આટલાં વર્ષોમાં તો દેશ-વિદેશમાં એમનું નામ જાણીતું થઈ ગયું હતું. એટલે એમને સાંભળવા માટે હજારો માણસો ઊમટવા લાગ્યા. આથી એમનાં વ્યાખ્યાનો ઉપાશ્રયમાં ન રાખતાં બહાર જાહેર સ્થળોએ રાખવાની સંઘના આગેવાનોને ફરજ પડી.
મહારાજશ્રીના ઉપદેશમાં અધ્યાત્મની જેટલી વાતો આવતી તેટલી સદાચાર અને લોકકલ્યાણની પણ આવતી. અમદાવાદમાં મહારાજશ્રી બારેક દિવસ શાહપુરના ઉપાશ્રયે રહ્યા, પણ તે દરમિયાન રોજ સવારે જુદી જુદી પોળના ઉપાશ્રયે અને બપોરે જાહેર વ્યાખ્યાન એમ બે વાર વ્યાખ્યાન તેઓ આપતા. દરેક સ્થળે વાજતેગાજતે તેમને લઈ જવામાં આવતા. અહીં એમણે જુગાર, બીડી, વેશ્યાગમન વગેરે વ્યસનોના ત્યાગ ઉપર વધુ ભાર મૂક્યો હતો. લક્ષ્મીનારાયણની પોળ, પતાસાની પોળ, ઝવેરીવાડ વગેરેમાં મહારાજશ્રીને સાંભળવા રોજ પાંચથી સાત હજાર માણસો એકત્ર થતા હતા. મહારાજશ્રીની વાણીનો એવો જાદુઈ પ્રભાવ હતો કે મહારાજશ્રીને સાંભળ્યા પછી આવાં વ્યસનોવાળા કેટલાયે યુવાનોએ પોતાના વ્યસનત્યાગ માટે મહારાજશ્રી પાસે બાધા લીધી હતી.
આ વર્ષ દરમિયાન બંગાળમાં બાંકુરા જિલ્લામાં ભયંકર દુકાળ પડ્યાના સમાચાર છાપાંઓમાં છપાયા હતા. મહારાજશ્રીએ બિહાર-બંગાળમાં ઘણે સ્થળે વિહાર કર્યો હતો. એટલે બાંકુરાના આગેવાનોએ દુકાળમાં સહાય કરવા માટે જેમ બધે અરજી કરી હતી, તેમ મહારાજશ્રીથી તેઓ પરિચિત હોવાથી મહારાજશ્રીને પણ પત્ર લખ્યો હતો. મહારાજશ્રીએ ત્યાંની દુઃખદ પરિસ્થિતિ જાણીને અમદાવાદનાં વ્યાખ્યાનો દરમિયાન દુકાળ-પીડિતોને સહાય કરવા માટે ઉદ્ધોધન કર્યું હતું અને એને પરિણામે ઘણી મોટી રકમ એકત્ર થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org