________________
શ્રી સંતબાલજી મહારાજ
૫૭૭
ગૃહત્યાગ કરી દીક્ષા લે છે. ગુરુ ભગવંત એ માટે જ વ્રતો ઉચ્ચારાવે છે અને સમાજ પણ એ સમજણ સાથે જ સાધુ-સાધ્વીઓના ભરણ-પોષણની જવાબદારી સહર્ષ વહન કરે છે. આ એક પ્રકારનું વ્યવસ્થિત સંગઠન છે. આ એક ઉચ્ચ પરંપરા છે. અઢી હજાર વર્ષથી તે અવિચ્છિન્ન ચાલી આવે છે. તેમાં કોઈ સાધુ કે સાધ્વી સ્વછંદપણે વર્તે તો તે ચલાવી ન લેવાય. એથી પરંપરા તૂટે. લોકોની શ્રદ્ધા ખૂટે. એક વખત તૂટેલી પરંપરાને ફરીથી જીવંત કરવાનું મુશ્કેલ બને છે. (જેમ બોદ્ધ ધર્મમાં ભારતમાં બન્યું હતું.)
બીજી બાજુ જમાને જમાને કોઈક કોઈક મહાત્મા એવા નીકળવાના કે જેઓને આત્મકલ્યાણ કરવા સાથે પોતાની નજર સામેના દુઃખી લોકોનું ભૌતિક કલ્યાણ વધુ મહત્ત્વનું લાગે. લોકોનાં દુઃખદર્દ તેમને માટે અસહ્ય થઈ પડે; કેટલાક લોકકલ્યાણ એ જ આત્મકલ્યાણ છે અથવા લોકકલ્યાણ દ્વારા આત્મકલ્યાણ થાય એવા વિચારો પણ ધરાવે. આ સમગ્ર વિષયને ઘણા દૃષ્ટિકોણથી વિચારી શકાય. વસ્તુતઃ કોઈ સમાજ પોતાની પરંપરાના રક્ષણ માટે અલગ વિચાર ધરાવતી વ્યક્તિને સમુદાયમુક્ત કરે તો તે ખોટું છે એમ ઉતાવળે કહી નહિ શકાય. સમજણપૂર્વક બંનેના પંથ જુદા જુદા રહે એ જ ઇષ્ટ
છે.
એટલે જ પૂ. સંતબાલજી મહારાજશ્રીને કોઈ એક પૂર્વગ્રહભરી સાંપ્રદાયિક દૃષ્ટિથી જોવાથી એમને બરાબર ન્યાય નહિ આપી શકાય. એમનું જીવન, કાર્ય અને સાહિત્ય એક મહાનિબંધ લખાય એટલું મોટું છે. જેમ સમય પસાર થાય અને સંબંધ ધરાવતી વ્યક્તિઓ ભૂતકાળમાં વિલીન થાય ત્યારે, પાંચ-સાત દાયકા પછીથી કોઈક સમર્થ વ્યક્તિ સમગ્ર ઘટનાને કાળના પરિપ્રેક્ષ્યમાં અને સિદ્ધાન્ત તથા પરંપરાના સંદર્ભમાં તટસ્થતાપૂર્વક વધુ સારી રીતે મૂલવી શકે.
પ. પૂ. સંતબાલજી મહારાજ જે પ્રકારનું જીવન જીવ્યા તે અનોખું હતું. એમની જન્મશતાબ્દીના આ અવસરે એમના પુણ્યાત્માને નત મસ્તકે વંદના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org