________________
६०८
પ્રભાવક સ્થવિરો
ત્યાં એમને આચાર્યની પદવી આપવાનો મહોત્સવ થયો.
શ્રી કલાપૂર્ણવિજયજીની સંયમયાત્રા અને આત્મસાધના ઊંચી કોટિની હતી, પરંતુ તેમાં પણ પ. પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજીના સમાગમ પછી બહુ વેગ આવ્યો હતો. આ બંને મહાત્માઓનું પ્રથમ મિલન કચ્છની ધરતી ઉપર થયું હતું. તેઓ બંને કચ્છમાં વિહારમાં હતા ત્યારે વિ. સં. ૨૦૧૩માં ભુજપુર મુકામે મળ્યા હતા. તે વખતે કલાપૂર્ણવિજયજીને પોતાની નવકાર મંત્રની આરાધના અને ધ્યાન-સાધના માટે માર્ગદર્શક ગુરુનાં દર્શન શ્રી પંન્યાસજી મહારાજમાં થયાં. બંને મહાત્માઓ મળ્યા ત્યારે જાણે આત્માએ આત્માને ઓળખી લીધો હોય એવું બન્યું. પછીથી તો કલાપૂર્ણવિજયજી પૂજ્ય પંન્યાસજી મહારાજના પત્ર દ્વારા સતત સંપર્કમાં રહેતા. ત્યાર પછી પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ રાજસ્થાનમાં હતા અને વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતા ત્યારે તેમણે શ્રી કલાપૂર્ણવિજયજીને પોતાની સાથે ચાતુર્માસ કરવા કહ્યું હતું કે જેથી સતત એકબીજાને મળી શકાય. એ મુજબ કલાપૂર્ણસૂરિજીએ વિ. સં. ૨૦૩૧નું ચાતુર્માસ બેડામાં, વિ. સં. ૨૦૩૨નું લુણાવામાં અને વિ. સં. ૨૦૩૩નું પિંડવાડામાં ૫. પૂ. શ્રી ભદ્રંકરવિજયજી સાથે કર્યું હતું. પંન્યાસજી મહારાજ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હતા. તેમણે આચાર્યની પદવી ક્યારેય સ્વીકારી નહોતી. શ્રી કલાપૂર્ણસૂરિ આચાર્ય હતા, પરંતુ એમને વંદન કરતા અને એમની સન્મુખ નીચા આસને બેસતા હતા. આ ત્રણ વર્ષ દરમિયાન શ્રી કલાપૂર્ણસૂરિજીને શાસ્ત્રબોધ, તત્ત્વચિંતન, આચારશુદ્ધિ તથા ધ્યાન વગેરે દ્વારા કરાતી સાધનાની અનુભૂતિ અંગે મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું. શ્રી કલાપૂર્ણસૂરિજી કહેતા કે “જો પંન્યાસજી મહારાજ અમને ન મળ્યા હોત તો અમારું ઘડતર ન થયું હોત.” આમ પ. પૂ. શ્રી પંન્યાસજી મહારાજના એક સાચા ઉત્તરાધિકારી શ્રી કલાપૂર્ણસૂરિજી બન્યા હતા.
શ્રી કલાપૂર્ણસૂરિજી જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં ઉત્સવનું વાતાવરણ જામી જતું. કેટલીક વાર ગામમાં ઝઘડા હોય તો તે એમના આગમનથી શમી જતા. ક્યારેક કુટુંબો વચ્ચે વેરભાવની વર્ષો જૂની ગાંઠ પડી ગઈ હોય તો તે તેઓ ઉકેલી આપતા. તેઓ બંને પક્ષને વારાફરતી બોલાવીને સમજાવતા અને પછી બંનેને એકત્ર કરી બંને પાસે પ્રેમથી પરસ્પર ભાવપૂર્વક “મિચ્છામિ દુક્કડ
કરાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org