Book Title: Prabhavaka Sthaviro
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 662
________________ શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ ૬૧૧ બ્રહ્મચર્ય વ્રતની અને દીક્ષાની પ્રેરણા મળી હતી. અહીંના જિન મંદિરમાં પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પ્રતિમા જે ત્યાંના લોકોમાં “કાલિયા બાબા' તરીકે જાણીતી છે, એમની ભક્તિથી તો પોતાના તેમ જ પરિવારના જીવનને સાચો રાહ મળ્યો હતો. એટલે રાજનંદગાંવની સ્પર્શના જો ગુજરાત પાછા ફરતાં ન કરવામાં આવે તો પછી ગુજરાતથી ફરી અહીં આવવાનો અવકાશ નહોતો. એટલે મહારાજશ્રીએ એક ચાતુર્માસ રાજનંદગાંવમાં કર્યું. આટલાં વર્ષોમાં શહેર ઘણું બદલાઈ ગયું હતું, પરંતુ ત્યાં પગ મૂકતાં જ જૂનાં સંસ્મરણો તાજાં થયાં હતાં. દક્ષિણમાંથી પાછા ફર્યા પછી પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિએ પાલીતાણા, વાંકી અને ફલોદીમાં ચાતુર્માસ કર્યા. પોતાના વતનમાં એમણે ઘણાં વર્ષોથી ચાતુર્માસ કર્યું નહોતું એટલે એ માટે ત્યાંના સંઘ તરફથી એમને વારંવાર વિનંતી થતી હતી. સંઘની વિનંતી છેવટે માન્ય થઈ અને શ્રી કલાપૂર્ણસૂરિજીએ જીવનનાં અંતિમ વર્ષમાં અંતિમ ચાતુર્માસ ફલોદીમાં કર્યું. તેઓ શરીરે અશક્ત થઈ ગયા હતા, થોડા વાંકા વળી ગયા હતા. ફલોદીમાં ચાતુર્માસ બહુ ધામધૂમપૂર્વક થયું. ચાતુર્માસ પછી એમની ભાવના શંખેશ્વર પહોંચવાની હતી, પણ તે પહેલાં તો વિહારમાં એમણે દેહ છોડી દીધો. શ્રી કલાપૂર્ણસૂરિજીના એક પ્રિય કવિ તે શ્રી દેવચંદ્રજી મહારાજ હતા. એમની ચોવીસીના ગૂઢાર્થ શ્રી કલાપૂર્ણસૂરિજીએ લખ્યા છે અને એ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયા છે. સામાયિક વિશે પણ એક પુસ્તિકા લખી છે. શ્રી કલાપૂર્ણસૂરિજીએ ત્યાર પછી સ્વહસ્તે લેખન કાર્ય ઓછું કર્યું છે. જેમ જેમ સમુદાયની જવાબદારી વધતી ગઈ અને પોતાની અંતરંગ સાધના ચાલતી ગઈ તેમ તેમ સ્વહસ્તે લખવાનું ઓછું થઈ ગયું હતું. પરંતુ તેમના શિષ્યોએ એમની વાણી શબ્દબદ્ધ કરી લીધી છે. શ્રી કલાપૂર્ણસૂરિજીનાં વ્યાખ્યાનો એટલે અમૃતની ધારા. સાંભળતાં ધરાઇએ નહિ. એમાં શાસ્ત્રની વાત આવે અને સ્વાનુભવની વાતો પણ આવે. અનેક શ્લોકો, ગાથાઓ, સ્તવનોની કડીઓ વગેરેના સંદર્ભો આવે. એ બધું એમને કંઠસ્થ હતું. પ્રત્યેક વિષયની છણાવટ વિવિધ દૃષ્ટિકોણથી તેઓ કરતા. એમનાં આવાં વ્યાખ્યાનોની નોંધ ગણિી મુક્તિચંદ્રવિજય અને ગણિશ્રી મુનિચંદ્રવિજય ઉતારી લેતા. એવાં વ્યાખ્યાનો “કહે કલાપૂર્ણસૂરિ', “કહ્યું કલાપૂર્ણસૂરિએ' ઇત્યાદિ ગ્રંથરૂપે પ્રકાશિત થયાં છે, જે તત્ત્વજિજ્ઞાસુ માટે અત્યંત ઉપયોગી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664