________________
પ્રભાવક સ્થવિરો
૨૦૧૧ના વૈશાખ સુદ સાતમના રોજ સાતલપુર મુકામે શ્રી કનકસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી.
દીક્ષા પછી મુનિ શ્રી કલાપૂર્ણવિજય ત્રણેક વર્ષ પોતાના ગુરુ ભગવંત શ્રી કનકસૂરિ સાથે વિચર્યા. એમાંથી એમને ઘણી પ્રેરણા મળી. ત્યારપછી શ્રી કનકસૂરિ મહારાજે શ્રી કલાપૂર્ણવિજયનો ક્ષયોપશમ જોઇને એમને પ.પૂ. સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરિ મહારાજની પાસે અભ્યાસ કરવા મોકલ્યા. શ્રી પ્રેમસૂરિ મહારાજનો સમુદાય ઘણો મોટો હતો. તેઓ કર્મસિદ્ધાન્તનો ગહન અભ્યાસ કરાવતા હતા. એ રીતે શ્રી કલાપૂર્ણવિજયજીએ સં. ૨૦૧૪માં વઢવાણમાં અને ૨૦૧૫માં સુરેન્દ્રનગરમાં શ્રી પ્રેમસૂરિદાદા સાથે ચાતુર્માસ કર્યો. - ત્યાર પછી શ્રી કલાપૂર્ણવિજયજી શ્રી કનકસૂરિદાદા પાસે આવી પહોંચ્યા. એક વર્ષ ચાતુર્માસ એમની સાથે કર્યું. દરમિયાન ગુરુ મહારાજને લાગ્યું કે શ્રી કલાપૂર્ણવિજયજી હવે ન્યાયદર્શનનો પણ બરાબર અભ્યાસ કરે તો સારું. એ વખતે જામનગરમાં પંડિત વ્રજલાલભાઈ સાધુ-સાધ્વીને ન્યાયદર્શનનો અભ્યાસ કરાવતા. એટલે આચાર્ય મહારાજે શ્રી કલાપૂર્ણવિજયજીને જામનગર મોકલ્યા. સં. ૨૦૧૭ અને ૨૦૧૮ એમ બે ચાતુર્માસ એમણે જામનગરમાં કર્યા અને ત્યાં રહીને ન્યાયદર્શનનો બરાબર અભ્યાસ કર્યો. આમ દીક્ષા પછીનાં ચારેક વર્ષમાં શ્રી કલાપૂર્ણવિજયજીએ સઘન શાસ્ત્રાભ્યાસ કરી લીધો.
અભ્યાસ કર્યા પછી શ્રી કલાપૂર્ણવિજય પોતાના ગુરુ મહારાજ સાથે કચ્છમાં જોડાઈ ગયા. ત્યારપછી સં. ૨૦૧૯નું ચાતુર્માસ ભચાઉ નક્કી થયું. એ વખતે કચ્છ ગાંધીધામના સંઘે બે સાધુ મહારાજને ચાતુર્માસ માટે ગાંધીધામ મોકલવા આચાર્યશ્રીને વિનંતી કરી. એ વખતે શ્રી કલાપૂર્ણવિજયજીની ભાવના તો ગુરુ મહારાજશ્રીની સાથે જ રહેવાની હતી. પરંતુ ગુરુઆજ્ઞા થતાં તેઓ ગાંધીધામમાં ચાતુર્માસ માટે ગયા. આ ચાતુર્માસ પૂરું થાય તે પહેલાં તો વયોવૃદ્ધ ગુરુ મહારાજ શ્રી કનકસૂરિ કાળધર્મ પામ્યા. અંત સમયે ગુરુ મહારાજની પાસે ન રહેવાયું એનું દુઃખ થયું અને માથેથી જાણે શિરછત્ર ગયું હોય એવો આઘાત લાગ્યો. પણ પછી એમણે સમાધાન મેળવ્યું કે જે કાળે જે બનવાનું હોય તે જ બને છે.
શ્રી કનકસૂરિજીના કાળધર્મ પછી સમુદાયની જવાબદારી શ્રી દેવેન્દ્રસૂરિના માથે આવી. દરમિયાન દીક્ષાગુરુ શ્રી કંચનવિજયજી પણ કાળધર્મ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org