________________
શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ
૬૦૧
લુક્કડ અને માતાનું નામ ખમાબાઈ હતું. એમનું જન્મનામ અક્ષયરાજ પાડવામાં આવ્યું હતું. અક્ષયરાજનું બાળજીવન ફલોદીમાં પસાર થયું હતું. એમનાં માતુશ્રી ધર્મપરાયણ હતાં. વળી એમના મામાને પણ ધર્મનો એવો જ રંગ લાગેલો હતો. તેઓ દેરાસરે જાય, ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા જાય ત્યારે બાળ અક્ષયરાજને સાથે લઈ જતા. આથી બાળપણથી જ અક્ષયરાજમાં ધર્મના સંસ્કાર પડ્યા હતા. પાંચેક વર્ષની વયે અક્ષયરાજને ગામઠી શાળામાં ભણવા બેસાડ્યા હતા. અક્ષયરાજ શાળામાં તેજસ્વી વિદ્યાર્થી ગણાતા. તેઓ શાન્ત અને વિનયી હતા. એથી શિક્ષકોના મન પર એમનો સારો પ્રભાવ પડ્યો હતો. ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં તેમને ગજસુકુમાલ, જંબૂકુમાર, ધના, શાલિભદ્ર વગેરેની કથાઓ સાંભળવા મળતી અને તે એમને બહુ ગમતી. કથાઓ સાંભળતી વખતે એમના મનમાં એવા ભાવ થતા કે આવા મહાત્માઓ જેવા પોતે ક્યારે થઈ શકશે.
એ જમાનામાં અને તેમાં પણ ગુજરાત, રાજસ્થાનમાં બાળલગ્નો સ્વાભાવિક હતાં. અભયરાજનાં લગ્ન સોળ વર્ષની વયે થયાં હતાં. એમનાં પત્નીનું નામ રતનબહેન. તેઓ અત્યંત વિનયી, સુશીલ અને ધર્મપ્રેમી હતાં.
લગ્ન પછી અક્ષયરાજને પ્રભુભક્તિની એવી લગની લાગી હતી કે મંદિરમાં તેઓ સવારે પૂજામાં ઘણો સમય પસાર કરતા. વળી તેઓ સ્નાત્રપૂજા તથા બીજી મોટી પૂજાઓ ભણાવતા. તેમનો કંઠ મધુર હતો અને સ્તવનો સરસ ગાતા. એટલે સૌ કોઈ એમને જ ગાવાનું કહેતા. એમાં વળી એમણે હારમોનિયમ શીખી લીધું. આ રીતે દેરાસરના એમના કલાકો વધવા લાગ્યા. આથી આજીવિકા માટે તેઓ પૂરું ધ્યાન આપી શકતા નહિ. પરિણામે કમાણી ઓછી થઈ ગઈ. સ્થિતિ સામાન્ય બની ગઈ. એથી એક દિવસ માતાએ ટકોર કરી કે “બેટા, આમ ચાલ્યા કરશે તો આગળ જતાં કુટુંબનું ગુજરાન કેમ ચાલશે ?'
માતાની આ ટકોર અક્ષયરાજને સચોટ લાગી ગઈ. કમાવા માટે કંઈક યોગ્ય ઉપાય કરવો જોઇએ એમ એમને સમજાયું. એવામાં ફલોદીના એક વેપારી શ્રી સંપતલાલ કે જેઓ મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રાજનંદગાંવમાં જઇને રહ્યા હતા અને ત્યાં વેપાર ચાલુ કર્યો હતો તેમને પોતાની દુકાનમાં એક યુવાન મદદનીશની જરૂર હતી. તેઓ અક્ષયરાજને ત્યાં લઈ ગયા. ત્યાં જૂના રિવાજ પ્રમાણે ઘર અને દુકાન એક જ મકાનમાં હતાં અને અક્ષયરાજને શેઠની સાથે એમના ઘરે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org