________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૩૧
પધારેલા સંઘના અગ્રણીઓ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો અને સૌએ તે સહર્ષ વધાવી લીધો. એ પ્રમાણે જેઠ સુદ પાંચમના દિવસે ભાવનગરમાં અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ખૂબ ધામધૂમ સાથે પંન્યાસશ્રી નેમિવિજયજીને આચાર્યની પદવી આપવામાં આવી. ભારતના અનેક નામાંકિત જૈનોએ આ મહોત્સવમાં હાજરી આપી હતી. શુભેચ્છા-ધન્યવાદના અનેક તાર–પત્રો આવ્યા હતા. મહારાજશ્રીની આચાર્યની પદવી એ એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની ગઈ.
ભાવનગર સંઘના આગ્રહથી પંન્યાસજી મહારાજે તથા આચાર્યશ્રી વિજયનેમિસૂરિએ ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ભાવનગરનું ચાતુર્માસ પૂર્ણ થયા પછી મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજીની યાત્રાર્થે સંઘ નીકળ્યો હતો. પાલિતાણાથી મહારાજશ્રી મહુવા પધાર્યા. રસ્તામાં નેપ નામનું ગામ દરિયાકિનારે આવે. ત્યાંના એક વૈષ્ણવ ભાઈ નરોત્તમદાસ ઠાકરશીએ મહારાજશ્રી પાસે જૈન ધર્મ અંગીકાર કર્યો.
મહારાજશ્રીએ જોયું કે દરિયાકિનારે વસતા માછીમારો માછલાં મારવાનું ઘોર હિંસાકાર્ય કરે છે એ માટે તેઓને બોધ આપવો જોઈએ. એ કાર્યમાં નરોત્તમભાઈનો સહકાર ઉપયોગી નીવડ્યો. મહારાજશ્રી તેમની સાથે દરિયાકિનારે ગયા. એમને જોઈને માછીમારો આશ્ચર્ય પામ્યા. મહારાજશ્રીએ બધાને એકત્ર કરી ઉપદેશ આપ્યો. પાપની પ્રવૃત્તિનો વ્યવસાય છોડી દેવાથી બીજા નિર્દોષ વ્યવસાયમાં વધુ કમાણી થાય છે એ વાત પર ભાર મૂક્યો. સૌએ માછલાં ન મારવાની પ્રતિજ્ઞા લીધી. તેઓને આજીવિકાની કંઈ મુશ્કેલી પડે તો સહાય કરવાનું અને યોગ્ય કામધંધે લગાડવાનું વચન નરોત્તમભાઈએ આપ્યું. માછીમારો પાસેથી માછલાં મારવાની જાળ નરોત્તમભાઈએ લઈ લીધી. એ પ્રમાણે દરિયાકાંઠનાં બીજાં ગામોમાં જઈને પણ માછીમારોને ઉપદેશ આપ્યો, અને એમની જાળ પણ લઈ લીધી. બધી જાળ એકઠી કરી દાઠા ગામના બજારમાં બધાંની વચ્ચે નરોત્તમભાઈએ એની હોળી કરી. માછીમારો અન્ય વ્યવસાયમાં જોડાયા અને પૈસેટકે સુખી થયા.
આ હિંસા અટકાવવા ઉપરાંત મહારાજશ્રીએ આ વિસ્તારના લોકોને ઉપદેશ આપી નવરાત્રિમાં પાડા, બકરાના વધની પ્રથા પણ મુનિ ઉદયવિજયજી બંધ કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org