________________
૫૧૮
પ્રભાવક વિશે
માંડવી બંદરેથી જામનગર સીધા પહોંચી શકાતું. એ રીતે જામનગરને કચ્છ સાથે સીધો સંપર્ક હતો. આથી જ જામનગરના જૈનોને મહારાજશ્રી પ્રત્યે આદર-બહુમાન હતાં. એટલે જ મહારાજશ્રીની પ્રેરક વાણીથી ઘણા ભાવિકો બોધ પામ્યા હતા. વળી કેટલાક કચ્છથી ખાસ ચાતુર્માસની આરાધના કરવા માટે જામનગર પધારતા. કચ્છ-સુથરીના એક યુવાન મોણસીભાઈ તો મહારાજશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે આવીને રહ્યા હતા. વખત જતાં એમને પણ સંયમનો રંગ લાગ્યો. દીક્ષા લેવાના ભાવ થયા. વિ. સં. ૧૯૨૩નું ચાતુર્માસ પૂર્ણ થયું અને મહારાજશ્રી અમદાવાદ તરફ વિહાર કરવાના હતા તે પૂર્વે એમણે મહારાજશ્રી પાસે દીક્ષા લીધી. મહારાજશ્રીના એ પ્રથમ શિષ્ય બન્યા. એમનું નામ રાખવામાં આવ્યું. મુનિ શ્રી મોતીચંદ્રજી.
શ્રી કુશળચંદ્રજીને દીક્ષા લીધાંને ૧૯ વર્ષ થઈ ગયાં, પરંતુ હજુ તેમણે સૌરાષ્ટ્ર છોડી કચ્છ તરફ વિહાર નહોતો કર્યો. આટલાં વર્ષોમાં એક સંવેગી સાધુ મહારાજ તરીકે કચ્છમાં ચારે બાજુ એમની સુવાસ પ્રસરી ગઈ હતી. કચ્છનો વિહાર એ દિવસોમાં ઘણો કઠિન હતો, પરંતુ તેઓ કચ્છ પધારે એ માટે કચ્છના સંઘો વારંવાર વિનંતી કરતા. છેવટે માંડવીના સંઘનું નિમંત્રણ તેમણે સ્વીકાર્યું. રણ ઓળંગી વાગડ પ્રદેશમાંથી વિહાર કરીને, અંજાર, ભુજ વગેરે સ્થળે વિચરતાં વિચરતાં તેઓ માંડવી પધાર્યા. ઘણાં વર્ષે સંવેગી મહાત્માનાં વ્યાખ્યાનો સાંભળીને માંડવીના જૈનોએ ઘણો હર્ષ અને સંતોષ અનુભવ્યો. આ વર્ષ દરમિયાન મહારાજશ્રીની વાણી સાંભળીને બે ભાઈ અને એક બહેનને મહારાજશ્રી પાસે દીક્ષા લેવાના કોડ જાગ્યા હતા. એક ભાઈને માંડવીમાં દીક્ષા અપાઈ અને એમનું નામ રાખવામાં આવ્યુંમુનિશ્રી ખુશાલચંદજી અને ત્યાર પછી વિહાર કર્યા બાદ એક ભાઈને તથા એક બહેનને જામનગરના ચાતુર્માસ પછી ત્યાં દીક્ષા આપવામાં આવી. દીક્ષાર્થી ભાઈનું નામ રાખવામાં આવ્યું શ્રી કપૂરચંદજી મહારાજ અને સાધ્વીજીનું નામ રાખવામાં આવ્યું શ્રી રતનશ્રીજી. આ દીક્ષાનો પ્રસંગ ભારે ધામધૂમથી ઊજવાયો હતો અને ખુદ જામસાહેબ એ પ્રસંગે પધાર્યા હતા.
શ્રી કુશળચંદ્રજી જામનગરમાં હતા ત્યારે એમણે કચ્છ-ગોધરાના શ્રી કેલણભાઇને દીક્ષા આપી અને એમનું નામ રાખવામાં આવ્યું શ્રી કલ્યાણચંદ્રજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org