________________
૫૩૨
લોકેષણાની તો વાત જ શી કરવી ?
મહારાજશ્રીની વિનમ્રતાનો એક પ્રસંગ મારા ચિત્તપટમાં હંમેશાં અંકિત રહેલો છે. ઈ. સ. ૧૯૬૩ના અરસામાં પૂ. શ્રી હેમસાગરસૂરિએ ‘કુવલયમાળા’ નામના ગ્રંથનાં અનુવાદ તથા સંશોધન-સંપાદનનું કાર્ય મને સોંપ્યું હતું. તે વખતે કેટલાક સમાસયુક્ત પ્રાકૃત શબ્દોના અર્થ બરાબર બેસતા નહિ, એટલે પૂ. હેમસાગર મહારાજે સૂચન કર્યું કે એ માટે મારે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું માર્ગદર્શન મેળવવું. એ પ્રમાણે એક દિવસ હું જ્યારે અમદાવાદ ગયેલો ત્યારે પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે તે કામ માટે લુણસાવાડાના ઉપાશ્રયે રાત્રે આઠેક વાગે પહોંચ્યો હતો. મહારાજશ્રી પાસે શબ્દોના અર્થની ચર્ચા કરતાં કરતાં રાતના લગભગ દોઢ વાગી ગયા હશે. બધા અર્થ બરાબર સંતોષકારક રીતે બેસી ગયા. કામ પત્યું એટલે મહારાજશ્રી પાસે માંગલિક સાંભળીને હું નીકળતો હતો. તે વખતે મહારાજશ્રીએ કહ્યું, ‘રમણભાઈ, મુંબઈ પહોંચો એટલે હેમસાગરસૂરિને મારી વંદના કહેજો.’ મેં કહ્યું, ‘પણ મહારાજશ્રી, હેમસાગરસૂરિ તો આપના કરતાં ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં, જ્ઞાનમાં ઘણા જ નાના છે. આપની વંદના હોય ?' એમણે કહ્યું, એ ગમે તે હોય, પણ તેઓ આચાર્ય છે અને હું મુનિ છું એટલે મારે જ એમને વંદના કરવાની હોય !' મહારાજશ્રીની આવી ઉચ્ચ, ઉદાત્ત, વિનમ્ર ભાવનાથી હું બહુ પ્રભાવિત થયો હતો.
પ્રભાવક સ્થવિરો
જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં મહાન ગણાતી કોઈ કોઈ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવવાની જ્યારે આપણને તક મળે છે ત્યારે તે દરેકનો આપણો અનુભવ એકસરખો નથી હોતો. કેટલીક મહાન ગણાતી વ્યક્તિઓના નિકટના સંપર્કમાં જેમ જેમ આપણે આવીએ છીએ અને જેમ જેમ એમની વિશ્વસનીય વ્યક્તિ બનીએ છીએ તેમ તેમ એ મહાપુરુષમાં રહેલાં અહંકાર, દંભ, ઉગ્ર રાગદ્વેષ, સંકુચિત અને સ્વાર્થપરાયણ દૃષ્ટિ, ખટપટ, ચારિત્ર્યની શિથિલતા, ઉપદેશ અને વર્તન વચ્ચેની વિસંવાદિતા ઇત્યાદિ આપણી નજરે ચડવા લાગે છે. અને વખત જતાં લોકદૃષ્ટિએ મહાન ગણાતા એ પુરુષમાં વામન પુરુષનું આપણને દર્શન થતું જાય છે. બીજી બાજુ કેટલાક એવા ખરેખર મહાત્માઓ હોય છે કે જેમના નિકટના સંપર્કમાં જેમ જેમ આપણે આવતા જઈએ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org