________________
શ્રી સંતબાલજી મહારાજ
૫૫૭
મહારાજને પણ નિમંત્રણ મળ્યું હતું. કચ્છથી વિહાર કરી તેઓ આબુ થઈને રાજસ્થાનમાં આવ્યા. આબુના પહાડમાં તેઓ સુપ્રસિદ્ધ શ્રી શાન્તિસૂરિને મળ્યા. અને તેમની લઘુતાથી, વિનયથી, નિર્દોષ હાસ્યથી અને સાધનાથી બહુ પ્રભાવિત થયા હતા. મહારાજશ્રીના મુખમાંથી પંક્તિઓ સરી પડીઃ
એક યોગી વસે છે અલબેલો, આબુના પહાડમાં; જ્ઞાન-ધ્યાન રસે રણઘેલો, આબુના પહાડમાં. અજમેરમાં મોટી સંખ્યામાં સાધુઓ, સાધ્વીઓ. શ્રાવકો, શ્રાવિકાઓ વગેરે પધાર્યા હતાં. કવિ નાનાલાલ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી વગેરે પણ પધાર્યા હતા. તે વખતે સ્થાનકવાસીઓમાં શ્રી જવાહરલાલજીનો અને શ્રી મુન્નાલાલજીનો એમ બે પક્ષ પડી ગયા હતા. પરંતુ કંઈ સમાધાન થયું નહિ. આ સંમેલનમાં સૌભાગ્યચંદ્ર મુનિએ અવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા અને એમને ‘ભારતરત્ન'નું બિરુદ આપવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં આગ્રાના શ્રેષ્ઠીઓએ ગુરુદેવને હવે પછીનું ચાતુર્માસ આગ્રામાં કરવા માટે આગ્રહભર્યું નિમંત્રણ આપ્યું એટલે સંમેલન પછી તેઓ આગ્રા પહોંચ્યા. અહીં પણ ગુરુદેવનાં પ્રવચનો અને મહારાજશ્રીના અવધાનના પ્રયોગો નોંધપાત્ર રહ્યાં હતાં.
આગ્રાથી વિહાર કરી ગુરુદેવ પોતાના મુનિવરો સાથે વિહાર કરતા કરતા, રણથંભોર, હમીરગઢ, ઉજ્જૈન, ઇંદોર, રતલામ, ભોયણીજી વગેરે સ્થળે વિહાર કરતા કરતા અમદાવાદ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. આ લાંબા વિહારમાં દેશદર્શનનો, અને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે ધર્મના મહાત્માઓને મળવાનો સારો અનુભવ થયો. એથી દષ્ટિ વિશાળ થઈ. અનેક નામાંકિત મહાનુભાવોનો પરિચય થયો. દરમિયાન મહારાજશ્રીએ ઉત્તરાધ્યયનસૂત્રનો અનુવાદ, ટીકા સાથે તૈયાર કર્યો તે પ્રકાશિત થયો. એ ગ્રંથ એટલો સરસ થયો હતો કે એક દિવસ અમદાવાદમાં એક ભાઈ રવિશંકર મહારાજને લઇને આવ્યા. મહારાજે મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીને કહ્યું, “ગુજરાતીમાં ઉત્તરાધ્યયન ભાષ્ય વાંચીને અમૃત પીધા જેવો આનંદ થયો.”
મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી મૌન અને ધ્યાનનો સારો અભ્યાસ કરતા રહેતા. વળી તેમની લેખનપ્રવૃત્તિ પણ સારી ચાલતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org