________________
શ્રી સંતબાલજી મહારાજ
૫૭૩
મારા પિતાશ્રી પણ સાથે આવ્યા હતા. ઉનાળાના દિવસો હતા. રસ્તાઓ એવા ખરાબ કે સાતેક કલાકે ચીંચણી પહોંચાય. ત્યારે કેન્દ્રમાં મહારાજશ્રી અને મણિભાઈ બે જ જણ હતા. મીરાંબહેન બહારગામ કથામાં ગયા હતાં. બંગલાના હોલમાં અમારો ઉતારો હતો. અડધી રાત સુધી મચ્છરને લીધે જાગરણ થયું અને પછી ચાલુ થયું વાવાઝોડું અને વીજળીના કડાકા. જોરદાર વાછટો હોલમાં પણ આવી અને ગાદલાં ભીંજાઈ ગયાં. સવારે ઊઠ્યા ત્યારે નવકારશી વખતે કહેવામાં આવ્યું કે કેન્દ્રમાં બે ટંક જમવાની વ્યવસ્થા થશે. નવકારશીની વ્યવસ્થા નથી અને કેન્દ્રમાં ચા-કોફી પીવાની મનાઈ છે. મહારાજશ્રી પોતે પોતાના આચારપાલન પ્રમાણે ગામમાંથી ગોચરી વહોરી લાવે છે. અમારે માટે મણિભાઈ ગામમાંથી દૂધ લઈ આવ્યા. ભોજનની વ્યવસ્થા માટે પણ ગામમાંથી બે બહેનોને બોલાવી લાવ્યા. બહારના મહેમાનો માટે એટલું વ્યવસ્થાતંત્ર હજુ તૈયાર થયું નહોતું. (હવે બધી જ વ્યવસ્થા છે અને ચાકોફીની પણ છૂટ છે.)
બે દિવસના અમારા રોકાણ દરમિયાન મહારાજશ્રી સાથે ઘણી વાતો અને તત્ત્વચર્ચા થઈ. પણ વિશેષ આનંદ તો મારા પિતાશ્રીના મુખે સ્તવનો સાંભળવાનો મહારાજશ્રીને થયો હતો. બીજી એક વખત પણ ચીંચણી જવાનું થયું ત્યારે મહારાજશ્રીએ તરત જૂની વાત યાદ કરીને મારા પિતાશ્રીને સ્તવનો સંભળાવવાનું કહ્યું હતું. પિતાશ્રીને આશરે દોઢસો જેટલાં સ્તવન કંઠસ્થ હતાં અને મધુર રાગે ભાવપૂર્વક ગાતા.
પછીથી જ્યારે મુંબઇથી સુરત, વડોદરા કે અમદાવાદ મોટરરસ્તે જ્યારે જવાનું થતું ત્યારે થોડાક કલાક માટે પણ ચીંચણીમાં અમારો મુકામ રહેતો. મહારાજશ્રી જે કંઈ લખ્યું હોય કે લખાતું હોય તે અચૂક બતાવતા. અમારી સાથે મારા પિતાશ્રી હોય તો મહારાજશ્રી એમને એક બે સ્તવનો સંભળાવવા માટે અવશ્ય કહેતા.
ઇ. સ. ૧૯૭૭ની આસપાસ એક વખત ચીંચણી જવાનું થયું ત્યારે મહારાજશ્રી ભગવાન મહાવીર વિશે પોતે લખેલું એક દીર્ઘકાવ્ય મઠારતા હતા. પછી તો જેમ જેમ કાવ્ય મઠારાતું ગયું તેમ તેમ હું જ્યારે ચીંચણી જાઉં ત્યારે તેઓ મને બતાવતા. તેઓ તો સમર્થ કવિ હતા, તેમ છતાં છંદ, શબ્દરચના વગેરેની દૃષ્ટિએ નિખાલસ અભિપ્રાય આપવાનું મને કહેતા. કાવ્યનું શીર્ષક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org