________________
૫૫૨
પ્રભાવક સ્થવિરો
આપે. ફાનસ રાખી શકે નહિ. એટલે એક જૈન સાધુનું આ પ્રકારનું આચરણ મારામાં જિજ્ઞાસા જન્માવે એવું હતું.
આ રીતે સંતબાલજી મહારાજના નામનો મને પહેલો પરિચય થયો હતો. પછીથી એમના જીવન વિશે વાંચવા મળ્યું હતું. ત્યારપછી એમનું પ્રત્યક્ષ દર્શન ત્યારે થયું હતું કે જ્યારે તેઓ અમારે ઘરે વહોરવા પધાર્યા હતા. તેઓ ત્યારે આહારમાં ફક્ત બે જ વાનગી વાપરતા-દૂધ અને રોટલી. મહારાજશ્રી સાથે વિશેષ પરિચય એમના સ્થિરવાસ પછી થયો હતો.
સંતબાલજી મહારાજનો જન્મ શ્રાવણ સુદ પૂર્ણિમા વિ. સં. ૧૯૬૦(તા.૨૬મી ઑગસ્ટ ૧૯૦૪)માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે ટોલ નામના પાંચસો માણસની વસતીવાળા નાનકડા ગામડામાં થયો હતો. એમનું નામ શિવલાલ રાખવામાં આવ્યું હતું. એમને એક નાની બહેન હતી જેનું નામ મણિ હતું.
શિવલાલના પિતાનું નામ નાગજીભાઈ અને માતાનું નામ મોતીબહેન હતું. તેમની આર્થિક સ્થિતિ તદ્દન સાધારણ હતી. ટોળ ગામમાં કંઈ કમાણી ન હતી એટલે તેઓ પાસેના વાંકાનેર શહેરમાં રહેવા ગયા. પરંતુ સંજોગવશાત્ ત્યાંથી પાછા ફરવું પડ્યું હતું. ત્યાર પછી કુટુંબના નિભાવ માટે મોતીબહેન મીઠાઈ બનાવી આપતા અને નાગજીભાઈને લઈને વાંકાનેર જતા અને રસ્તામાં ઊભા રહી મીઠાઈ વેચતા; એ લેનાર ઘણુંખરુંનાનાં બાળકો રહેતાં. અપૂરતું પોષણ, નહિ જેવી આવક અને વધુ પડતો પરિશ્રમ-આ બધાંને કારણે નાગજીભાઈનું અકાળે અવસાન થયું હતું. તે વખતે નિર્ધનતા એટલી બધી હતી કે મૃતદેહના મુખમાં મૂકવા માટે બેઆની જેટલી રકમ પણ મોતીબહેન પાસે નહોતી. પરંતુ એમણે એ કોઈને જણાવી દીધું નહોતું.
છ વર્ષની ઉંમરે શિવલાલે શાળાનો અભ્યાસ ચાલુ કર્યો. બે માઈલ દૂર અરણી-ટીંબા નામના ગામે તેઓ ગામના બીજા છોકરાઓ સાથે ચાલીને ભણવા જતા. બે વર્ષ પછી તેમણે મોસાળ બાલંભામાં અભ્યાસ ચાલુ કર્યો. એમના મામા મણિભાઈ બાલંભાની શાળામાં શિક્ષક હતા. અહીં શિવલાલે ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. દરમિયાન મામા બાલંભા છોડી મુંબઈ જઈને નોકરી કરવા લાગ્યા. શિવલાલને પણ ત્યાં જવાનું મન થયું, કારણ કે હવે કંઈક કમાઈને દળણાં દળતી માતાને મદદ કરવી જોઈએ. ત્યારે એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org