________________
૧૫૪
પ્રભાવક સ્થવિરો
જાણે બુદ્ધ સમોવડા તેમના કાનને જોઈએ કે લહેકા કરતા અભિનયને જોઈએ ! બસ એકવાર જેણે એમને જોયા અને સાંભળ્યા તેને એમની પાસેથી ઊઠવાનું મન જ ન થાય. ખાધાપીધા વિના જાણે એમની પાસે બેસી રહીએ.’
શિવલાલના દીક્ષા લેવાના વિચાર ચાલતા હતા તે દરમિયાન વતનમાં એમની માતાની માંદગી ચાલુ થઈ હતી. એમની સારવાર કરાવવા માટે તેઓ માતાને મુંબઈ લઈ આવ્યા. પેટનું ઓપરેશન કરાવ્યું. પણ તબિયત ખાસ સુધરી નહિ. તેમને વતનમાં પાછાં લઈ જવામાં આવ્યાં. થોડા વખતમાં માતાનું અવસાન થયું. તરત શિવલાલ વતનમાં ગયા.
એ વખતે એક બાજુ સગાંઓએ આગ્રહ રાખ્યો કે કન્યા મોટી થઈ છે એટલે હવે લગ્ન કરી લેવાં જોઈએ. બીજી બાજુ મુંબઈમાં પારસી માલિકે પગાર વધારી આપવાનો તાર કર્યો અને ત્રીજી બાજુ દીક્ષા લેવા માટેના ભાવ વધતા હતા. છેવટે એમણે દીક્ષાને મહત્ત્વ આપ્યું. મુંબઈ આવીને એમણે પૂ.નાનચંદ્રજી મહારાજ પાસે દીક્ષા લેવાની વાત કરી. પરંતુ નાનચંદ્રજી મહારાજે કહ્યું કે દીક્ષા લેતાં પહેલાં બધાંની સંમતિ મેળવવી જરૂરી છે. એટલે શિવલાલ પાછા વતનમાં ગયાં. વૃદ્ધ માતામહીને સમજાવ્યાં. પોતાની વાગ્દત્તા દિવાળીબહેનના ઘરે ગયા. પોતે તેને હવે બહેન તરીકે ગણશે એમ સમજાવી તેમની સંમતિ લઈ, ભાઈ તરીકે તેમને ચુંદડી ઓઢાડી.
દીક્ષા લેતાં પહેલાં શિવલાલ પોતાના બાળપણના એક મિત્ર અમૃતલાલની પણ ક્ષમા માગી આવ્યા. બાળપણમાં શિવલાલ અને અમૃતલાલ વચ્ચે કોની ખોપરી વધુ મજબૂત છે એ વિશે વાદવિવાદ થયો હતો. છેવટે તેઓએ નક્કી કર્યું છે કે બંનેએ માટીની કુલડી લઈને એકબીજાના મસ્તક પર મારવી. જેને મારેલી કુલડી ફૂટે નહિ તેની ખોપરી વધુ મજબૂત. પરંતુ એમ કરવામાં શિવલાલે જો૨થી ફુલડી મારી ત્યારે અમૃતલાલનું માથું ભાંગ્યું. લોહી નીકળ્યું. તરત માથા ઉપર માટી લગાવી દેવામાં આવી. થોડા દિવસમાં મટી ગયું, પણ ખોપરીમાં ઘાની નિશાની રહી ગઈ હતી. એ વાતને વર્ષો થઈ ગયાં હતાં. પણ દીક્ષા પહેલાં અમૃતલાલની ક્ષમા માગી લેવી જોઇએ એમ શિવલાલને લાગ્યું. પરંતુ શિવલાલ જ્યારે અમૃતલાલની ક્ષમા માગવા ગયા ત્યારે અમૃતલાલને બહુ આશ્ચર્ય થયું. પછી તો બંને મિત્રો ખડખડાટ હસી પડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org