________________
શ્રી કુશળચંદ્રજી મહારાજ
૫૧૭
એમના કેટલાક શિષ્ય પોતાના ગુરુમહારાજની જેમ ત્યાગમય જીવન જીવતા. વિ. સં. ૧૯૧૩માં માંડલનો સંઘ પાલિતાણા આવ્યો હતો અને પાછા ફરતાં સંઘે ઉજમણા માટે શ્રી હર્ષચંદ્રસૂરિજીને માંડલ પધારવા બહુ આગ્રહ કર્યો. શ્રી હર્ષચંદ્રસૂરિજી વિહાર કરીને ત્યાં પધાર્યા અને ઉત્સવ થઈ ગયો. પરંતુ તેવામાં એમને જીવલેણ તાવ આવ્યો. એટલે એમણે સંઘને કહ્યું કે પોતાને ડોળીમાં પાસે આવેલા શંખેશ્વર તીર્થમાં લઈ જવામાં આવે. એ પ્રમાણે કરવામાં આવ્યું. ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરી શ્રી હર્ષચંદ્રસૂરિજી ત્યાં જ કાળધર્મ પામ્યા. એથી શિષ્યોને વિયોગનું દુઃખ થયું. એ વખતે શ્રી કુશળચંદ્રજી તથા શ્રી અગરચંદ્રજી પાલિતાણામાં હતા.
પોતાના ગુરુભગવંત શ્રી હર્ષચંદ્રજીના કાળધર્મની આઘાતજનક ઘટનાએ શ્રી કુશળચંદ્રજીને થોડો વખત અસ્વસ્થ બનાવ્યા, કારણ કે સાત વર્ષના સહવાસમાં એમને ગુરુકૃપાનો જે અનુભવ થયો હતો અને એમની પાસે જે શાસ્ત્રાભ્યાસ કર્યો હતો એથી પોતાની દષ્ટિ ખૂલી હતી ને સંયમમાં સ્થિરતા અને ચુસ્તતા આવી હતી. વ્યાખ્યાન આપવાની પોતાને સજ્જતા પણ પ્રાપ્ત થઈ હતી. એ વર્ષે એમણે ચાતુર્માસ પાલિતાણામાં જ કર્યું અને ત્યાર પછી જામનગરના સંઘના આગેવાનોની આગ્રહભરી વિનંતીથી તેઓ જામનગર પધાર્યા. જામનગરના શ્રાવકો ઉપર શ્રી કુશળચંદ્રજીનો એટલો બધો સારો પ્રભાવ પડ્યો કે એમણે ઉપરાઉપરી ત્રણ ચાતુર્માસ જામનગરમાં કર્યા. શેષકાળમાં તેઓ આજુબાજુ વિહાર કરી આવતા અને ચાતુર્માસ માટે જામનગર પધારતા. ત્યાર પછી વચ્ચે એક ચાતુર્માસ મોરબીમાં કરીને પાછાં બે ચાતુર્માસ એમણે જામનગરમાં કર્યાં અને ત્યાર પછી એક ચાતુર્માસ અમદાવાદમાં કરીને પાછાં સળંગ ત્રણ ચાતુર્માસ જામનગરમાં કર્યા. એમણે છેલ્લે જામનગરમાં ચાતુર્માસ વિ. સં. ૧૯૪૭માં કર્યું. આમ એકંદરે સત્તર જેટલાં ચાતુર્માસ એમણે જામનગરમાં કર્યો. એ ઉપરથી જામનગરના સંઘ ઉપર એમનો કેટલો બધો પ્રભાવ પડ્યો હશે તે જોઈ શકાય છે.
મહારાજશ્રી ચાતુર્માસની વિનંતી સ્વીકારતી વખતે સંઘને સામાજિક કુરિવાજોનો ત્યાગ કરવા માટે ખાસ ભલામણ કરતા. એ દૃષ્ટિએ શ્રી કુશળચંદ્રજી મહારાજશ્રીએ સમાજસુધારાનું પણ મોટું કામ કર્યું હતું.
કચ્છથી જામનગરમાં વેપારાર્થે આવીને વસેલા કચ્છીઓ ઘણા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org