________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૫૩
દીધા હતા. પરંતુ શિહોરના સ્ટેશનથી જૈન સ્વયંસેવકો યાત્રિકોને આ અસહકારની બાબતમાં સહકાર આપવા સમજાવતા હતા. એના પરિણામે એક પણ યાત્રિક પાલિતાણામાં થઇને ગિરિરાજ ઉપર ચઢયો ન હતો. ગામ અને ડુંગર સૂમસામ બની ગયાં હતાં. આમ યાત્રિકોના અસહકારથી રાજ્યને પેઢી દ્વારા જે વાર્ષિક પંદર હજારની આવક થતી હતી તે પણ બંધ થઈ ગઈ. જોતજોતામાં તો એક વર્ષ વીતી ગયું, પણ બંને પક્ષમાંથી કોઈએ નમતું આપ્યું નહિ. મહારાજશ્રીનું વર્ચસ્વ જૈન સમાજ પર કેટલું બધું હતું તે આ ઘટના પરથી જોઈ શકાય છે. બીજું વર્ષ પણ આ રીતે જ પૂરું થયું. હવે ઠાકોર ઢીલા પડ્યા. તેમણે જોયું કે જૈન સમાજ કોઈ પણ રીતે મચક આપે એમ નથી. વળી તેમણે એ પણ જાણ્યું કે જૈન સંઘ આ કેસ ઠેઠ બ્રિટનમાં જઈ પ્રોવી કાઉન્સિલમાં લડવા માગે છે. આ વાતની જાણ થતાં તે વખતના વાઇસરૉયને પણ એમ લાગ્યું કે જો આ બાબત પ્રીવી કાઉન્સિલમાં જાય તો તેથી પોતાની પ્રતિષ્ઠાને આંચ આવશે. એટલે એના કરતાં કંઈ સમાધાન થાય તો સારું. પાલિતાણા ઠાકોરે છેવટે એ રીતે નમતું આપ્યું કે પોતે મુંડકાવેરાને બદલે ઠરાવેલી રકમ લેવા તૈયાર છે. એ માટે સીમલામાં વાઇસરોયે પાલિતાણાના ઠાકોર અને પેઢીના આગેવાનોની એક બેઠક બોલાવી. વાટાઘાટોને અંતે હવે પછીનાં પાંત્રીસ વર્ષ માટે એવા કરાર થયા કે પેઢી દર વર્ષે રૂપિયા સાઠ હજાર પાલિતાણાના ઠાકોરને તીર્થરક્ષા માટે આપે. આ રકમ ઘણી મોટી હતી. પરંતુ તેમ ક્ય વગર છૂટકો નહોતો. એટલે એ વર્ષને અંતે શત્રુંજયની યાત્રા યાત્રિકો માટે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કનડગત વિના શરૂ થઈ. (દેશને આઝાદી મળી અને દેશી રાજ્યનું વિલિનીકરણ થયું ત્યારે આ વેરો સૌરાષ્ટ્ર સરકારે નાબૂદ કર્યો હતો.)
વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ પાટણમાં કરી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. પાટણના શેઠ નગીનદાસ કરમચંદની ભાવના અનુસાર મહારાજશ્રીની નિશ્રામાં અમદાવાદથી કચ્છ ભદ્રેશ્વર-યાત્રાનો સંઘ નીકળ્યો. ગામેગામ ભવ્ય સ્વાગત થતું. મહારાજશ્રી ધ્રાંગધ્રા સુધી સંઘ સાથે જઈ અમદાવાદ પાછા ફર્યા અને સંઘે આગળ પ્રયાણ કર્યું. અમદાવાદમાં નંદનવિજયજી મહારાજને આચાર્યની પદવી આપવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org