________________
૪૭૩
શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ બની હતી. અમદાવાદમાં તે સમયે કૂતરાંઓનો ત્રાસ વધતો જતો હતો. એ ત્રાસમાંથી બચવું હોય તો કૂતરાંઓને મારી નાખવાં જોઈએ એવો એક વિચાર વહેતો થયો હતો. આવા વિચારને જૈન સમાજ સ્વીકારે જ નહિ, બલકે એનો સખત વિરોધ કરે એ દેખીતું છે. પરંતુ શરમજનક ઘટના તો એવી બની કે પાશ્ચાત્ય કેળવણી લીધેલા એક સુધારાવાદી નાસ્તિક શ્રીમંત જૈન ઉદ્યોગપતિએ લોકોની લાગણીને વધુ દુભાવવા માટે જાણી જોઈને સંવત્સરીના પવિત્ર પર્વના દિવસે જ પોતાના બંગલાના કમ્પાઉન્ડમાં સાઠ જેટલાં કૂતરાંઓને મારી નાખ્યાં હતાં. આ ઘટનાનો ત્યારે જબરદસ્ત વિરોધ થયો હતો. કૂતરાં મારવાની હિમાયત કરનારા સામે શ્રી રામવિજયજી મહારાજે પ્રખર આંદોલન ઉપાડ્યું હતું. પરિણામે કૂતરાંઓને મારી નાખવાની હિમાયત કરતી પ્રવૃત્તિ તરત બંધ થઈ ગઈ હતી.
વિ. સં. ૧૯૭૬નું વર્ષ અમદાવાદમાં મહત્ત્વનું બની ગયું હતું. અમદાવાદમાં નવરાત્રિના દિવસો દરમિયાન માતાજીનો ઉત્સવ થતો અને દશેરાના દિવસે ભદ્રકાળી માતાના મંદિરમાં બલિ તરીકે એક બકરાનો વધ કરવાનો રિવાજ ચાલ્યો આવતો હતો. અમદાવાદ જેવી ધર્મનગરીમાં ધર્મના નામે એક મોટા પંચેન્દ્રિય જીવનો વધ કરવામાં આવે એ રિવાજ અસહ્ય થઈ પડ્યો હતો. એ બંધ કરાવવા માટે શ્રી રામવિજયજી મહારાજે અમદાવાદમાં ઉગ્ર આંદોલન ચાલુ કર્યું. પોળે પોળે જઈને એમણે પોતાના પ્રવચનમાં આ જ વિષય પર ભાર મૂક્યો અને આ હિંસક પ્રવૃત્તિ બંધ કરવા માટેના બધા જ ઉપાયો અજમાવી દેવા ઉદ્બોધન કર્યું હતું. આ આંદોલનને પરિણામે અમદાવાદમાં ઠેર ઠેર આ જ ચર્ચાનો વિષય બની ગયો. એમાં અહિંસાપ્રેમી હિન્દુઓ પણ જોડાયા. અમદાવાદમાં માણેકચોકમાં પચાસ હજારની મેદની સમક્ષ શ્રી રામવિજયજી મહારાજે જોરદાર ઉદ્બોધન કર્યું. એથી અમદાવાદમાં એક મોટું આંદોલન સર્જાયું. બીજી બાજુ સંઘો તરફથી કૉર્ટનો આશ્રય લેવામાં આવ્યો અને કાનૂની કાર્યવાહી પણ કરાવાઈ. પરિણામે ભદ્રકાળી માતાના મંદિરના પૂજારીઓ ગભરાઈ ગયા. વિજયાદશમીના દિવસે ભદ્રકાળી માતાના મંદિર આગળ આ હિંસક પ્રથા અટકાવવા હજારો માણસ એકત્ર થઈ ગયા. આવા પ્રચંડ વિરોધની સામે પૂજારીઓને નમતું જોખવું પડ્યું અને બકરાનો વધ થઈ શક્યો નહિ. લોકોએ હર્ષના પોકારો કર્યા. ત્યારથી ભદ્રકાળીના મંદિરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org