________________
૪૮૨
પ્રભાવક સ્થવિરો
દીક્ષા પછી વિહાર કરીને તેઓ પાટણ પધાર્યા. ત્યાં પ. પૂ. શ્રી આત્મારામજી મહારાજના પટ્ટધર તરીકે શ્રી કમલવિજયજીને સ્થાપવામાં આવ્યા અને એમને આચાર્યની પદવી આપવામાં આવી. - પાટણથી વિહાર કરી પૂ. શ્રી દાનવિજયજી મહારાજ પોતાના શિષ્ય પૂ. શ્રી પ્રેમવિજયજીને લઈને વડોદરા પધાર્યા. પૂ. શ્રી દાનવિજયજી મહારાજે આગમોનો સંગીન અભ્યાસ કરી લીધો હતો. એમને “સકલાગમ રહસ્યવેદી' કહેવામાં આવતા. એમણે પોતાના શિષ્ય પૂ. મહારાજશ્રીને અહીં સંસ્કૃત ભાષા અને વ્યાકરણ, કાવ્યાદિના ગ્રંથો, ન્યાય અને તર્કના ગ્રંથો, આગમો, પ્રકરણગ્રંથો વગેરેનો સઘન અભ્યાસ કરાવ્યો. દરમિયાન એમણે પોતે પણ ભગવતી સૂત્રના યોગોવહન કર્યા અને એમને ખંભાતના સંઘે ગણિપદ અને પંન્યાસપદ આપ્યું. ત્યારપછી તેઓએ પાલનપુર, ભરૂચ, ખંભાત, છાણી વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો. દરમિયાન પૂ. મહારાજશ્રીનો અભ્યાસ પણ ચાલતો જ રહ્યો હતો. અભ્યાસ માટે એમની લગની એટલી તીવ્ર હતી કે છાણીથી વિહાર કરીને તેઓ રોજ સવારે વડોદરા જતા, ત્યાં પંડિતજી પાસે અભ્યાસ કરતા અને ભરતડકામાં પાછા ફરતા. કોઈવાર પંડિતજી ઘરે ન હોય કે એમને અનુકૂળતા ન હોય તો ધક્કો થતો, પરંતુ એથી પૂ. મહારાજશ્રી ક્યારેય અપ્રસન્ન થતા નહિ. પૂજ્ય મહારાજશ્રીએ પોતાના શરીરને હવે એવું કેળવ્યું હતું કે ઉનાળામાં તપેલી જમીન પર તેઓ ઉલ્લાસથી ચાલતા. પગ બળતા હોય તો પણ તેઓ ઉતાવળ કરતા નહિ કે છાંયડો શોધતા નહિ.
છાણી અને લીંબડીમાં ચાતુર્માસ કર્યા પછી આચાર્ય ભગવંત પ. પૂ. કમલસૂરિજીએ પ. પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી સાથે પંજાબ બાજુ વિહાર કર્યો અને ત્યાં ઉપરાઉપરી બે ચાતુર્માસ અંબાલામાં કર્યા. પૂ. મહારાજશ્રીએ પંજાબની ધરતી પર આ પહેલી વાર પદાર્પણ કર્યું હતું અને તે છેલ્લી વારનું હતું. પૂ. મહારાજશ્રી પોતાના ગુરુભગવંત સાથે અંબાલાથી વિહાર કરી ચાતુર્મારા બીકાનેરમાં ફરીને વડોદરા પધાર્યા. ત્યાં જ્ઞાનભંડારનું અને વિદ્યાભ્યાસનું કાર્ય કરવાનું હતું.
પૂ. મહારાજશ્રીએ વડોદરામાં પોતાનો વિદ્યાભ્યાસ એટલો ગહન કર્યો કે હવે સંસ્કૃત ભાષામાં પણ તેઓ વાર્તાલાપ કરતા હતા. તે વખતે વડોદરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org