________________
૪૮૮
પ્રભાવક સ્થવિરો
અંગે ગ્રંથો તૈયાર કરવાનું કાર્ય સોંપી શકાય. અમદાવાદમાં બે મહાકાય ગ્રંથો તૈયાર થયા. “ખવગસેઢી' (ક્ષપકશ્રેણી) અને “ઠિઈબંધો' (સ્થિતિબંધ). આ બંને ગ્રંથોને હાથી પર અંબાડીમાં મૂકી ગૌરવયુક્ત મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
પૂ. મહારાજશ્રીનું વિ. સં. ૨૦૨૩નું અંતિમ ચાતુર્માસ ખંભાતમાં થયું. એમની તબિયત અસ્વસ્થ રહેતી હતી. એટલે ચોમાસું ઊતરતાં એમના શિષ્યો પૂ. શ્રી રામચંદ્રસૂરિ, પૂ. શ્રી ભાનુવિજયજી, પૂ. શ્રી યશોદેવસૂરિ, પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી વગેરે ખંભાત આવી પહોંચ્યા. ચૈત્ર મહિનો થતાં દરેકને પોતપોતાના ચાતુર્માસ માટે તથા અન્ય કાર્યો માટે પૂ. મહારાજશ્રીએ વિહાર કરાવ્યો. પરંતુ થોડા દિવસમાં જ પૂ. મહારાજશ્રીની વધુ બગડેલી તબિયતના સમાચાર મળતાં પૂ. શ્રી રામચંદ્રસૂરિજી તરત પાછા ખંભાત પધાર્યા. પૂ. મહારાજશ્રી સાથે ત્રણ દાયકા કરતાં અધિક સમયથી સાથે રહેનાર, પૂ. શ્રી ભાનવિજયજી, સંજોગવશાત્ પાછા ફરી શક્યા નહિ. પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી તથા અન્ય કેટલાક મહાત્માઓ પણ આવી ન શક્યા.
ખંભાતમાં ઉપચાર ચાલતા હતા, પરંતુ હૃદયરોગ વધુ ઉગ્ર બન્યો હતો. પૂ. મહારાજશ્રી સમજી ગયા હતા કે આ હવે એમના અંતિમ દિવસો છે. એમને એક હૉલમાંથી બીજા ઓરડામાં લઈ જવામાં આવ્યા ત્યારે એમણે કહ્યું, “ભાઈ, મારે હોલ નહિ હવે તો ઘર બદલવાનું છે.”
વેશાખ વદ ૧૧ ને રાત્રે ૧૦-૩૦ કલાકે એમણે સમાધિપૂર્વક, નવકારમંત્રની ધૂન સાંભળતાં દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસના સમાચાર તરત ચારે બાજુ પ્રસરી ગયા અને એમના અનેક ભક્તો ખંભાત આવી પહોંચ્યા. બીજે દિવસે સવારે એમના પ્રથમ અને પટ્ટધર શિષ્ય પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીએ બધી વિધિ કરી અને બપોરે વિજય મુહૂર્ત એમની પાલખી નીકળી. એ પ્રસંગે હજારો માણસો એમાં જોડાયા હતા. (પૂ. મહારાજશ્રીના શિષ્યો અને અગ્રગણ્ય શ્રાવક ભક્તો એટલા બધા હતા કે તે દરેકનાં વ્યક્તિગત નામ લખવાનું શક્ય નથી.)
પૂજ્ય મહારાજશ્રીના કાળધર્મથી જૈન શાસને આ યુગના એક મહાન, તેજસ્વી પ્રભાવક આચાર્ય ભગવંત ગુમાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org