________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
૪૭૯
પ્રેમનાં'ના નામથી દળદાર સ્મૃતિગ્રંથ પ્રગટ કર્યો છે જેમાં પૂ. મહારાજ શ્રી પ્રેમસૂરીશ્વરજીનું સવિસ્તર જીવનચરિત્ર છે અને અનેક મહાત્માઓ અને ગૃહસ્થોએ આપેલી શ્રદ્ધાંજલિ છે. તદુપરાંત પૂ. શ્રી જગન્ચંદ્ર વિજયજી મહારાજે પદ્યમાં “ગુરુગુણ અમૃતવેલી રાસ' નામની રાસકૃતિ લખી જે વિવેચનસહિત પ્રકાશિત થયેલી છે. આ બંને ગ્રંથો વાંચતાં પૂ. મહારાજશ્રીના ઉજ્જવળ જીવન અને સંગીન શાસનકાર્યનો સરસ પરિચય થાય છે. ગુરુ ભગવંત હોય તો આવા હોવા જોઈએ એવી એક હૃદયંગમ છાપ ચિત્તમાં અંકિત થાય છે.
પ.પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે “પ્રેમમધુરી વાણી તારી' નામના લેખમાં પૂ. મહારાજશ્રીના હૃદયમાંથી સમયે સમયે નીકળેલા ઉદ્ગારો ટપકાવી લીધા છે. પૂ. શ્રી ત્રિલોચનસૂરિ મહારાજે પૂ. મહારાજશ્રીના અઢાર મુખ્ય ગુણોની છણાવટ કરીને એના પ્રેરક પ્રસંગો ટાંક્યા છે.
પૂજ્ય મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૪૦ના ફાગણ સુદ ૧૪ની અડધી રાતે (એટલે પૂનમની વહેલી સવારે) એમના મોસાળમાં રાજસ્થાનમાં નાંદિયા - ગામમાં થયો હતો. એમનાં માતાનું નામ કંકુબાઈ અને પિતાનું નામ ભગવાનજીભાઈ હતું.
ભગવાનજીભાઈનું વતન પિંડવાડા. બાળકને લઇને માતા પિંડવાડા આવ્યાં. ફોઇએ બાળકનું નામ પ્રેમચંદ પાડ્યું. પ્રેમચંદ સાતેક વરસના થયા ત્યાં સુધી પિંડવાડામાં એમનો ઉછેર થયો. પરંતુ ત્યાર પછી એમના પિતાશ્રી વ્યવસાય અર્થે ગુજરાતના સૂરત જિલ્લામાં વ્યારા ગામે આવ્યા. એ દિવસોમાં કેટલાયે રાજસ્થાની ભાઈઓ એકબીજાના સહારે ખાનદેશ કે મધ્ય પ્રદેશમાં આવીને કાપડ, ધીરધાર કે અન્ય પ્રકારનો વેપાર કરતા. એ રીતે ભગવાનજીભાઇ અને કંકુબાઈ પોતાના પુત્ર પ્રેમચંદને લઇને વ્યારામાં આવીને વસ્યા હતાં. પ્રેમચંદે શાળાનો અભ્યાસ વ્યારામાં કર્યો અને અનુક્રમે કિશોરાવસ્થામાં આવ્યા.
કિશોર પ્રેમચંદ સવારે દેરાસરે દર્શન-પૂજા કરવા જતા. કોઈ મુનિ મહારાજ ગામમાં પધાર્યા હોય અને એમનું વ્યાખ્યાન હોય તો વ્યાખ્યાનમાં બેસતા અને પછીનો સમય પિતાશ્રી સાથે દુકાને બેસતા. એમનામાં પૂર્વજન્મના કોઈ ઊંડા સંસ્કાર હશે કે જેથી એમને ધર્મની અને સાધુ ભગવંતોની વાતોમાં રસ પડતો હતો. એક દિવસ દુકાને કોઈ સંન્યાસી-બાવો ભિક્ષા માગવા આવેલો.
Jain Education International
,
For Private & Personal Use Only
www.jainelibrary.org