________________
૪૫૨
પ્રભાવક સ્થવિરો
ચાતુર્માસ દરમિયાન એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની. ભૂતકાળમાં વિ. સં. ૧૯૪૨માં પાલિતાણાના ઠાકોર અને આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે તીર્થના રક્ષણ માટે કરાર થયા હતા. તે અનુસાર દર વર્ષે રૂપિયા પંદર હજાર પેઢીએ પાલિતાણાના ઠાકોરને આપવા પડતા. અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વૉટસને આ બાબતમાં દરમિયાનગીરી કરીને પાલિતાણાના ઠાકોરને ઘણી સારી રકમ અપાવી દીધી હતી. વ્યક્તિગત યાત્રાળુને વેરો ન ભરવો પડે અને ત્રાસ ન પડે એટલા માટે પેઢીએ આ જવાબદારી સ્વીકારી હતી. આ કરાર ચાલીસ વર્ષ માટે કરવામાં આવ્યો હતો. કરારની મુદત પૂરી થયા પછી તીર્થરક્ષાની રકમ અંગે બંને પક્ષો નવેસરથી વાટાઘાટ કરીને નવો નિર્ણય કરી શકે એવી અંદર કલમ હતી. આ કરારની મુદત વિ. સં. ૧૯૮૨માં પૂરી થતી હતી. પોતાના રાજ્યમાં તીર્થસ્થળ હોય તો તે રાજ્યના રાજવીને તેમાંથી સારી કમાણી કરવાનો લોભ લાગે એવો એ જમાનો હતો. પાલિતાણાના ઠાકોરે જાહેર કર્યું કે તા. ૩૧મી માર્ચ, ૧૯૨૬ના રોજ કરાર પૂરા થાય છે એટલે તા. ૧લી એપ્રિલ, ૧૯૨૬ના દિવસથી રાજ્ય તરફથી મુંડકાવેરો લેવામાં આવશે. દરેક યાત્રાળુ પોતે આ વેરો ભરીને પછી જાત્રા કરી શકશે. મુંડકાવેરાથી રાજ્યને વધુ આવક તો થાય, પરંતુ એથી યાત્રાળુઓની કનડગત ઘણી વધી જાય. ઠાકોર ઠરાવેલી રકમ પેઢી પાસેથી લેવા કરતાં મુંડકાવેરો વસૂલ કરવાની ઇચ્છા વધુ ધરાવતા હતા કારણ કે એથી આવક વધુ થાય એમ હતું. આવા અન્યાયી મુંડકાવેરાનો સામનો કરવો જ જોઈએ એમ મહારાજશ્રીને લાગ્યું. એ દિવસોમાં મહારાજશ્રીનો બોલ ઝીલવા સૌ સંઘો તત્પર હતા. રાષ્ટ્રીય સ્તરે અસહકારનું આંદોલન ચાલતું હતું. મહારાજશ્રીને તીર્થયાત્રાની બાબતમાં અસહકારનો વિચાર સ્ફર્યો. બીજો કોઈ માર્ગ ન જણાતાં મહારાજશ્રીએ જાહેર કર્યું કે જ્યાં સુધી આ અન્યાયી કાયદો દૂર ન થાય ત્યાં સુધી સિદ્ધાચલજીની યાત્રા કોઈએ કરવી નહિ. જે કોઈને સિદ્ધાચલજીની ક્ષેત્રસ્પર્શનાની ભાવના હોય તેઓએ કદમ્બગિરિ, રોહિશાળા વગેરે તીર્થોની યાત્રા કરવી કે જે તીર્થો શત્રુંજયના પહાડના ભાગરૂપ છે અને પાલિતાણાના રાજ્યની હદની બહાર છે. તા. ૧લી એપ્રિલ, ૧૯૨૬ના રોજ મુંડકાવેરો ઉઘરાવવા માટે ઠાકોરે ઓફિસો ખોલી હતી અને ઠેઠ ડુંગરના શિખર સુધી ઠેર ઠેર ચોકીદારો મૂકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org