________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૫૭
કરી અમદાવાદ પહોંચી શકે એ દૃષ્ટિએ ફાગણ સુદ ત્રીજના સંમેલનનું આયોજન થયું હતું. એ દિવસોમાં સાધુઓમાં શિથિલાચાર વધતો જતો હતો. દેવદ્રવ્ય, દીક્ષાપદવી, તિથિચર્ચા, તીર્થરક્ષા, સાધુ-સંસ્થામાં પ્રવેશેલી નિંદાકૂથલી તથા આચારની શિથિલતા એ સર્વ વિશે વિચારણા કરવાની જરૂર હતી. પદવીની દૃષ્ટિએ મહારાજશ્રી વિજયનેમિસૂરિ સૌથી મોટા હતા એટલે એમની નિશ્રામાં યોજવામાં આવેલા આ મુનિસંમેલનમાં ૪૫૦ આચાર્યાદિ સાધુ મહારાજો, ૭૦૦ સાધ્વીજીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ચોત્રીસ દિવસ ચાલેલા આ સંમેલનમાં પ્રત્યેક વિષયની ઊંડાણથી અને વ્યવસ્થિત રીતે વિચારણા થઈ હતી. તે સમયના મોટા મોટા આચાર્યો જેવા કે શ્રી વિજયદાનસૂરિ, શ્રી વિજયલબ્ધિસૂરિ, શ્રી સિદ્ધિસૂરિ, શ્રી વિજયપ્રેમસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયઉદયસૂરિ, શ્રી વિજયનંદસૂરિ, શ્રી વિજયવલ્લભસૂરિ, પં. શ્રી રામવિજયજી, શ્રી પુણ્યવિજયજી, શ્રી વિદ્યાવિજયજી વગેરેએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. આખી કાર્યવાહી અત્યંત વ્યવસ્થિત અને જિન શાસન અનુસાર હતી. સંમેલનમાં કરેલા ઠરાવોનો પટ્ટક બધાંને વાંચી સંભળાવવામાં આવ્યો હતો. અને તે દરેકે અમલમાં મૂકવાનો હતો.
આ સંમેલનની સફળતામાં અમદાવાદના નગરશેઠ તથા અન્ય શ્રેષ્ઠીઓએ તન, મન અને ધનથી સારો ભોગ આપ્યો હતો. મહારાજશ્રી વિજયનેમિસૂરિની નિશ્રામાં આટલા બધા સાધુઓ એકત્રિત થયા અને આટલા બધા દિવસ સાથે મળીને વિચારણા કરી એ જ દર્શાવે છે કે મહારાજશ્રીનું સ્થાન ચતુર્વિધ સંઘમાં કેટલું મોટું અને આદરભર્યું હતું.
વિ. સં. ૧૯૯૦માં મહારાજશ્રીએ જાવાલમાં જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરાવી અને ત્યાર પછી ચાતુર્માસ ત્યાં જ કર્યું. ચાતુર્માસ પછી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા.
મહારાજશ્રીની એક મહત્ત્વની પ્રિય પ્રવૃત્તિ તે છ'રી પાળતો તીર્થયાત્રા સંઘ કાઢવાની હતી. એ દિવસોમાં તીર્થયાત્રા માટે એકલદોકલ જવાનું સરળ નહોતું. ઘણે સ્થળે રેલવે નહોતી. ચોરલૂટારાનો ભય રહેતો. ખાવાપીવાની તથા રાત્રિરોકાણની વ્યવસ્થાની ચિંતા રહેતી. સંઘ નીકળે તો સૌને લાભ મળે. સાધારણ સ્થિતિના લોકો સરળતાથી જોડાઈ શકતા. ગામેગામ ધર્મજાગૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org