________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૩૫
વધતો ગયો હતો. વિક્રમના અઢારમા શતકમાં મુસલમાન આક્રમણકારોએ ગુજરાતમાં જે કેટલાંક હિંદુ અને જૈન મંદિરોનો વિધ્વંસ કર્યો એમાંથી શેરીસા તીર્થ પણ બચી શક્યું નહિ. મંદિર જમીનદોસ્ત થઈ ગયું. નગરના લોકો નગર છોડીને ભાગી ગયા. હજારો યાત્રીઓથી ઊભરાતું તીર્થ વેરાન બની ગયું. મંદિરના અવશેષો કાળક્રમે દટાઈ ગયા.
આ નષ્ટ થયેલા તીર્થના અવશેષો જોવાની મહારાજશ્રીએ ઇચ્છા દર્શાવી એટલે શ્રેષ્ઠી ગોરધનભાઇએ અગાઉથી શેરીસા ગામમાં પહોંચી એક ઓળખીતાના ઘરમાં મહારાજશ્રી અને એમના શિષ્યોના ઉતારા માટે વ્યવસ્થા કરાવી. મહારાજશ્રી વિહાર કરી શેરીસા પહોંચ્યા. ત્યાંના અવશેષો જોતાં તરત જ એમને ખાતરી થઈ કે જૈન મંદિરના જ અવશેષો છે. મહારાજશ્રી ટેકરાઓ ઉપર ફરીને નિરીક્ષણ કરવા લાગ્યા. સાંજે પાછા ફરી તેઓ નીકળ્યા. એ વખતે મહારાજશ્રીએ કાળો નીલો મોટો સપાટ પથ્થર જોયો. જમીનમાં એ દટાયેલો હતો. એના ઉપર છાણાં થાપવામાં આવ્યાં હતાં. મહારાજશ્રીને લાગ્યું કે જરૂર આ પથ્થર ખોદાવીને બહાર કાઢવો જોઈએ. ગામમાંથી મજૂરોને બોલાવવામાં આવ્યા. પથ્થર અખંડિત નીકળે એ રીતે સાવચેતીથી ખોદવાનું શરૂ કર્યું. ગામના ઘણા લોકો ભેગા થઈ ગયા. મહારાજશ્રી અને એમના શિષ્યો પણ હાજર રહ્યા. પથ્થર કાઢતાં જ આશ્ચર્યનો પાર ન રહ્યો. પાર્શ્વનાથ ભગવાનનાં એ પ્રતિમાનાં દર્શન કરીને મહારાજશ્રીએ ગદ્ગદ્ કંઠે સ્તુતિ કરી.
આવા અખંડિત નીકળેલા અવશેષોની તરત સાચવણી થવી જોઈએ, ખુલ્લામાં પડ્યા રહે તે ઠીક નહીં. મહારાજશ્રીએ કહ્યું કે અત્યારે ને અત્યારે શેઠ મનસુખભાઈ ભગુભાઈના નામથી તાળું મરાય એવી જગ્યા ખરીદી લો. તપાસ કરતાં એક રબારીનો વંડો ગોરધનભાઇએ ખરીદી લીધો. ત્યારપછી બીજે દિવસે મજૂરો પાસે બધા અવશેષો ઊંચકાવીને વંડામાં સુરક્ષિત મુકાવી દેવામાં આવ્યા.
મહારાજશ્રીએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સન્મુખ બેસી સ્તુતિ કરી, કાઉસગ્ગ ધ્યાન કર્યું અને સંકલ્પ કર્યો કે આ તીર્થનો ઉદ્ધાર શાસનદેવીની કૃપાથી હું અવશ્ય કરાવીશ.
આમ, પ્રાચીન શેરીસા તીર્થના જીર્ણોદ્ધારનાં મંડાણ થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org