________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૪૯
ફતેસિંહજી પાસે પહોંચી. તેમણે રાજમંત્રી શ્રી ફતેહકરણજીને મહારાજશ્રી પાસે મોકલ્યા. ફત્તેહકરણજી વિદ્વાન હતા અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાના સારા જાણકાર હતા. તેઓ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં રોજેરોજ આવીને બેસવા લાગ્યા. તેમને મહારાજશ્રીની અસાધારણ પ્રતિભાનો પરિચય થયો. એમણે મહારાણા પાસે મુક્ત કંઠે મહારાજશ્રીની એટલી બધી પ્રશંસા કરી કે મહારાજશ્રીને મળવાનું મહારાણાને મન થયું. એ માટે એમણે મહારાજશ્રીને રાજમહેલમાં પધારવા માટે વિનંતી કરી, પરંતુ મહારાજશ્રીએ કહેવડાવ્યું કે કેટલાક મહાન પૂર્વાચાર્યો રાજમહેલમાં ગયાના દાખલા છે, પરંતુ પોતે એક સામાન્ય સાધુ છે અને રાજમહેલમાં જવાની પોતાની ઇચ્છા નથી. મહારાણાએ મહારાજશ્રીની એ વાતનો સમજણપૂર્વક સ્વીકાર કર્યો. જો કે પોતે ઉપાશ્રયમાં આવે એવા સંજોગો નહોતા, એટલે એમણે પોતાના યુવરાજને મહારાજશ્રી પાસે મોકલ્યા. તેઓ રોજ વ્યાખ્યાનમાં આવીને બેસવા લાગ્યા. મહારાણાએ મહારાજશ્રીને કહેવરાવ્યું કે રાજ્યના ગ્રંથાલયોમાંથી મહારાજશ્રીને જે કોઈ ગ્રંથ જોઈતો હોય તો તેઓ તરત મેળવી આપશે. વળી બીજી કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય તો તે પણ જરૂર કરશે.
એ દિવસોમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક પંડિત મદનમોહન માલવિય ઉદયપુર પધાર્યા હતા, અને રાજ્યના મહેમાન બન્યા હતા. એ વખતે મહારાણાએ માલવિયજીને ભલામણ કરી હતી કે મહારાજશ્રી વિજયનેમિસૂરિ મળવા જેવા એક વિદ્વાન સંત છે. એથી માલવિયજી બહુ પ્રભાવિત થયા હતા. ઉદયપુરમાં જેટલા દિવસ તેઓ રોકાયા તેટલા દિવસ રોજેરોજ મહારાજશ્રીને મળવા આવતા હતા, અને અનેક વિષયો પર વિચારવિમર્શ કરતા હતા. તેઓ મહારાજશ્રીને “ગુરુજી' કહીને સંબોધતા.
ત્યારપછી મહારાજશ્રી અમદાવાદમાં હતા તે દરમિયાન માલવિયજી જ્યારે જ્યારે અમદાવાદ આવતા ત્યારે તેઓ મહારાજશ્રીને મળવા માટે અચૂક જતા. પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવની બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક થઈ હતી. એટલે તેઓ તથા અન્ય વિદ્ધનાનો પણ માલવિયજી સાથે મહારાજશ્રીને મળવા આવતા. મહારાજશ્રીની ભલામણથી માલવિયજીને હેમચંદ્રાચાર્યકત “યોગશાસ્ત્ર” વાંચવાની ઇચ્છા થયેલી એટલે તે ગ્રંથની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org