________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૪૧
સારી રીતે બોલાવવા લાગ્યા. પત્નીનાં કપડાં-ઘરેણાંમાં રસ લેવા લાગ્યા. ખાવા-પીવાનો એમનો રસ વધી ગયો. વેપાર-ધંધામાં પણ રસ લેવા લાગ્યા. દુકાને જવા લાગ્યા. સંસારમાં તેઓ એવા પલોટાવા લાગ્યા કે સાસુ-સસરાને હવે નિશ્ચિતતા જણાવા લાગી. માતા અને પત્નીની ફિકર ટળી ગઈ. બહુ દેખરેખ રાખવાની હવે જરૂર ન જણાઈ..
એક દિવસ પત્ની માણેકે હેમચંદ્રને કહ્યું, “મારી સોનાની આ કંઠી બહુ જૂની થઈ ગઈ છે, ઘસાઈ ગઈ છે. એ ભંગાવીને નવી કરાવી આપોને !'
પત્નીની માગણી હેમચંદ્ર તરત સ્વીકારી. પિતાજીને વાત કરી. કંઠી નવી સારી બનાવવી હોય તો અમદાવાદમાં કોઈ સોની પાસે બનાવરાવવી પડે. ત્યાં ઘાટ સારા બનાવે છે. પત્નીની પણ એવી મરજી હતી કે અમદાવાદમાં નવો સારો ઘાટ બનાવવામાં આવે.
પરંતુ અમદાવાદ જવા માટે આનાકાની થઈ. રખેને હેમચંદ્ર અમદાવાદ જઈને ફરી પાછા ન આવે તો? ઘરમાં ઘણી રકઝક થઈ. છેવટે નક્કી થયું કે હેમચંદ્ર એકલા તો ન જ જાય. એમની સાથે જવા એમના પિતાજી તેયાર થયા.
તેઓ બંને અમદાવાદ પહોંચ્યા. રસ્તામાં પિતા-પુત્ર વચ્ચે દિલ ખોલીને ઘણી અંગત વાતો થઈ. અમદાવાદમાં વિદ્યાશાળામાં એક ધર્મશાળામાં તેઓ ઊતર્યા. હેમચંદ્રને મુનિ તરીકે જોનાર કોઈ શ્રાવકે કપડવંજની સાંભળેલી વાતો પરથી કહ્યું, “ભાઈ હેમચંદ્ર, મેં તો સાંભળ્યું છે કે સાધુવેશ છોડુયા પછી તમે શ્રાવકના બધા આચાર પણ છોડી દીધા છે ? સામાયિક, પ્રતિક્રમણ કે જિનપૂજા બધું છૂટી ગયું? સંસારમાં ભલે તમે પાછા ગયા, પણ આવું બધું તમને શોભે ?'
હેમચંદ્ર કહ્યું, “વડીલ ! બધું છૂટી નથી ગયું. મારા અંતરની વાત હું જ જાણું છું.'
તે રાત્રે પિતા-પુત્રે નિરાંતે વાતો કરી. હેમચંદ્ર ઘરે આવ્યા પછી સાંસારિક રસ ધરાવવાનું માત્ર નાટક જ કર્યું હતું કે જેથી કપડવંજ છોડીને જવાની જલદી તક મળે. સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા વગેરેનો તો ફક્ત દેખાવ કરવા માટે સહેતુક માત્ર દ્રવ્યક્રિયા તરીકે જ ત્યાગ કર્યો હતો, ભાવથી એ ત્યાગ નહોતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org