________________
૪૦૬
પ્રભાવક સ્થવિરો
શેઠ હઠીસિંગના દેરાસરની પ્રતિષ્ઠા અને શેઠ પ્રેમાભાઈએ કાઢેલો સંઘ એ પ્રસંગોમાં તો શ્રી વીરવિજયજી પોતે હાજર હતા. એટલે એમણે એ વિશેનાં ઢાળિયાંમાં નજરે જોયેલું વર્ણન કર્યું છે. શેઠ મોતીશાહે મુંબઈમાં ભાયખલામાં શત્રુંજયની ટૂક જેવું જ મંદિર બંધાવ્યું, એનો ઉત્સવ બહુ મોટા પાયા પર શાનદાર રીતે યોજાયો હતો. જલયાત્રાના વરઘોડાનું વર્ણન કરતાં કવિશ્રીએ લખેલી નીચેની બે પંક્તિઓ આજે દોઢસો કરતાં વધુ વર્ષથી રોજેરોજ જિનમંદિરોમાં પ્રક્ષાલપૂજા વખતે બોલાય છે: ‘લાવે લાવે મોતીચંદ (મોતીશાહ) શેઠ
હવણ જળ લાવે રે, નવરાવે મરુદેવીનંદ
પ્રભુ પધરાવે રે” શ્રી વીરવિજયજી મહારાજે સ્તવન, સ્તુતિ, ચૈત્યવંદન, દુહા ઇત્યાદિ પ્રકારની નાની નાની પ્રકીર્ણ રચનાઓ ઘણી બધી કરી છે. એમાંની કેટલીયે આજે પણ જિનમંદિરોમાં પ્રચલિત છે અને અનેક લોકને કંઠસ્થ છે. એમાં સિદ્ધાચલજીનાં સ્તવનો તથા શંખેશ્વર પાર્શ્વનાથનાં સ્તવનો મુખ્ય છે. તદુપરાંત સુવિધિનાથ, વિમલનાથ, શાન્તિનાથ, નેમિનાથ અને મહાવીર સ્વામીનાં સ્તવનો પણ છે. મહાવીર સ્વામીના ૨૭ ભવનું સુદીર્ઘ સ્તવન પણ એમણે રચેલું છે. કવિશ્રીએ કેટલીક સક્ઝાયોની પણ રચના કરી છે. એમાં સમકિતની સક્ઝાય, સામાયિકની સક્ઝાય, મુહપતીની સજઝાય, રહનેમિની સઝાય, વૈરાગ્યની સક્ઝાય વગેરે નોંધપાત્ર છે. એમણે ગહૂલી તથા દુહાની કરેલી રચનાઓમાં કેટલીક સુપ્રસિદ્ધ છે. સિદ્ધાચલજીના ૩૯ દુહા તથા નવાંગી પૂજાના દુહા લોકોમાં ઘણા પ્રચલિત છે.
શ્રી વીરવિજયજીએ આઠ કડીની “વયસ્વામીનાં ફૂલડાં' (અથવા વયસ્વામીની ગલી) નામની એક નાનકડી પણ સચોટ, માર્મિક, ગહન અને ગુપ્ત અનુભવજ્ઞાનથી સભર કૃતિની રચના કરી છે. ઉપલક દૃષ્ટિએ જોતાં એ કૃતિ અવળવાણી કે પ્રહેલિકા જેવી જણાય છે. પરંતુ એ વિષયના અને ક્ષેત્રના જે આગળ વધેલા સાધકો છે, જ્ઞાની મહાત્માઓ છે, તેમને સવિશેષ આનંદ આપે એવી એ કૃતિ છે. આ કૃતિનો આરંભ નીચે પ્રમાણે થાય છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org