________________
૪૧૮
પ્રભાવક સ્થવિરો
થયો. તેઓ રોજના સો શ્લોકો કંઠસ્થ કરતા હતા. હેમચંદ્રાચાર્યના વ્યાકરણ ઉપરાંત પાણિનિના વ્યાકરણનો પણ તેમણે સરસ અભ્યાસ કર્યો. તેમની બોલવાની છટા પણ ઘણી સારી થઈ હતી. મહારાજશ્રીની એ વિષયમાં ખ્યાતિ પ્રસરતાં, કાશી જઈ અભ્યાસ કરી આવેલા અને સંસ્કૃતમાં બોલતા એક નાથાલાલ નામના ભાઈએ સંસ્કૃતમાં સંભાષણ, શાસ્ત્રચર્ચા કરવાનો પડકાર ફેંક્યો. મહારાજશ્રીએ એ સ્વીકારી લીધો. સ્પર્ધા યોજાઈ. મહારાજશ્રી જે રીતે કડકડાટ સંસ્કૃતમાં અસ્ખલિત બોલતા હતા અને યોગ્ય ઉત્તરો આપતા હતા તે જોઈને નિર્ણાયકોએ મહારાજશ્રીને વિજયી તરીકે જાહેર કર્યા. આથી ગુરુમહારાજને બહુ આનંદ થયો. અભ્યાસ કરાવનાર પંડિતોને પોતાનો શ્રમ સાર્થક જણાયો. મહારાજશ્રીની ખ્યાતિ આ પ્રસંગથી ઘણી વધી ગઈ.
એ દિવસોમાં પંજાબી સાધુ શ્રી દાનવિજયજીએ પાલિતાણામાં શ્રી બુદ્ધિસિંહજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી હતી. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની પણ એ માટે પ્રેરણા હતી. શ્રી દાનવિજયજીએ જોયું કે શ્રી નેમિવિજયજીમાં ભણવાની ધગશ ઘણી છે અને ભણવાની શક્તિ ઘણી સારી છે. એટલે એમણે શ્રી વૃદ્ધિચંદ્રજીને પત્ર લખી શ્રી નેમિવિજયજીએ વિ. સં. ૧૯૪૯નું ચાતુર્માસ પાલિતાણામાં કરવા માટે ચૈત્ર મહિનામાં વિહાર કર્યો. બીજી બાજુ થોડા દિવસમાં ગુરુમહારજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વૈશાખ સુદ ૭ના દિવસે કાળધર્મ પામ્યા. અંતિમ સમયે પોતે ગુરુમહારાજ પાસે રહી શક્યા નહિ એનો મહારાજશ્રી નેમિવિજયજીને ઘણો આઘાત લાગ્યો.
પાલિતાણામાં મહારાજશ્રીએ શ્રી દાનવિજયજી સાથે મળીને અધ્યયન-અધ્યાપનનું સંગીન કાર્ય કર્યું. ચાતુર્માસ પછી મહારાજશ્રી ગિરનારની યાત્રા કરી વિચરતાં વિચરતાં જામનગર પધાર્યા. અહીં એમનાં વ્યાખ્યાનોનું લોકોને એટલું બધુ આકર્ષણ થયું કે સં. ૧૯૫૦ નું ચાતુર્માસ જામનગરમાં કરવાનું નક્કી થયું. મહારાજના દીક્ષા પર્યાયને હજુ છએક વર્ષ થવા આવ્યાં હતાં, પરંતુ એમની તેજસ્વિતાનો પ્રભાવ ઘણો પડતો હતો. જામનગરનું આ એમનું સ્વતંત્ર ચાતુર્માસ હતું. અહીં એમનાં વ્યાખ્યાનોની અને એમની સમજાવવાની શક્તિની એટલી બધી અસર થઈ કે એમનાથી ઉંમરમાં મોટા એક શ્રીમંતને એમની પાસે દીક્ષા લેવાનું મન થયું. આ શ્રીમંત શ્રાવકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org