________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
૪૧ ૫
ગયા. માતુશ્રી દિવાળીબહેન અને ઘરનાં સ્વજનોએ રડારડ કરી મૂકી. લક્ષ્મીચંદભાઈએ વિચાર કર્યો કે જો તેમચંદભાઈએ દીક્ષા ન લીધી હોય તો તેમને અટકાવવા અને પાછા ઘરે લઈ આવવા. લક્ષ્મીચંદભાઈ અને દિવાળીબહેન મહુવાથી ભાવનગર આવવા નીકળ્યાં. એ દિવસો ઝડપી પ્રવાસના ન હતા. થોડા દિવસે લક્ષ્મીચંદભાઈ ભાવનગર આવી પહોંચ્યા. એમણે ઉપાશ્રયમાં આવીને જોયું કે પુત્ર નેમચંદભાઈએ દીક્ષા લઈ લીધી છે. તેઓ ક્રોધે ભરાયા. બોલાચાલી થઈ. વૃદ્ધિચંદ્રજી મહારાજે અને મુનિ નેમિવિજયજીએ પૂરી શાંતિ અને સ્વસ્થતા રાખી. લોકો એકત્ર થઈ ગયા. ઘણાએ લક્ષ્મીચંદભાઈને સમજાવ્યા. પણ તેઓ માન્યા નહિ. તેઓ બહાર ગયા અને ભાવનગરના મેજિસ્ટ્રેટને લઈને ઉપાશ્રયમાં આવી પહોંચ્યા અને પોતાનો પુત્ર પાછો મેળવવા માટે અરજ કરી. મૅજિસ્ટ્રેટે મુનિ નેમિવિજયજીની જુદી જુદી રીતે ઊલટતપાસ કરી અને છેવટે લક્ષ્મીચંદભાઈને કહ્યું કે, “આ છોકરાને બળજબરીથી દીક્ષા આપવામાં આવી નથી. એણે જાતે જ રાજીખુશીથી દીક્ષા લીધી છે. એટલે રાજ્ય આ બાબતમાં કાયદેસર કશું જ કરી શકશે નહિ.” આથી લક્ષ્મીચંદભાઈ નિરાશ થયા. ત્યારપછી મુનિ નેમિવિજયજીએ તથા ગુરુમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે તેમને બહુ સમજાવ્યા. છેવટે તેઓ શાંત થયા અને પરિસ્થિતિનો સ્વીકાર કરી લઈ મહુવા પાછા ફર્યા.
મુનિ નેમિવિજયજીએ ગુરુમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી પાસે શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. ગુરુમહારાજે જોયું કે નેમિવિજયજી ઘણા તેજસ્વી છે. એમની સ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ ઘણી સારી છે. તેઓ શ્લોકો પણ ઝડપથી કંઠસ્થ કરી શકે છે. અને તેમની સાથે વાતચીતમાં તેમના વિચારની રજૂઆત વિશદ અને ક્રમબદ્ધ હોય છે. આથી ગુરુમહારાજે તેમના વધુ વિદ્યાભ્યાસ માટે પંડિતની સગવડ પણ કરી આપી. નેમિવિજયજીએ સંસ્કૃત વ્યાકરણ, અલંકારશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરવા સાથે “રઘુવંશ', “નૈષધીય” વગેરે મહાકાવ્યોનો અભ્યાસ શરૂ કર્યો. હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીના સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ ગુરુમહારાજ પોતે કરાવવા લાગ્યા. પ્રથમ ચાતુર્માસ ભાવનગરમાં જ કરવાનું નક્કી થયું. ચાર-છ મહિનામાં તો મુનિ નેમિવિજયજીની પ્રતિભા ખીલી ઊઠી. તેઓ પોતાના કરતાં ઉંમરે મોટા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org