________________
૩૪૮
પ્રભાવક સ્થવિરો
કોઈ સુનિશ્ચિતતા નહોતી. મહારાજશ્રીએ પેટલાદના ચાતુર્માસ દરમિયાન સંવત્સરી પર્વની ઉજવણી શાસ્ત્રસંમત પદ્ધતિએ ચાલુ કરી. - પેટલાદથી વિહાર કરતાં કરતાં મહારાજશ્રીએ સંવત ૧૯૫૩નું ચાતુર્માસ વડોદરા પાસે છાણીમાં કર્યું. એ દિવસોમાં છાણી વિદ્યાભ્યાસનું મોટું કેન્દ્ર ગણાતું. ત્યાં જૈનોની વસ્તી ઘણી મોટી હતી. જ્ઞાનભંડાર પણ ઘણો મોટો હતો. ત્યાં પંડિતો પણ વસતા હતા. મહારાજશ્રીએ ત્યાં પંડિતો પાસે ન્યાયશાસ્ત્રનું અધ્યયન કર્યું. શાસ્ત્રાભ્યાસથી મહારાજશ્રીની તર્કશક્તિ ઘણી ખીલી. એથી જ કેટલાક હિન્દુ સંન્યાસીઓ સાથે તેઓ શાસ્ત્રાર્થ કરી શક્યા હતા. તદુપરાંત જૈનોના અન્ય સંપ્રદાયના સાધુઓ સાથે પણ મૂર્તિપૂજા, પ્રતિક્રમણવિધિ ઈત્યાદિ વિષયોની ચર્ચા કરી પોતાની વાત તેઓ સ્વીકારાવી શક્યા હતા.
મહારાજશ્રીની આ વિસ્તારમાં ખ્યાતિ વધતાં ખંભાતના સંઘે એમને ચાતુર્માસ માટે નિમંત્રણ આપ્યું. ખંભાત ત્યારે પાર્ધચંદ્ર ગચ્છનું મોટું મથક ગણાતું. પરંતુ મહારાજશ્રીના ચાતુર્માસને કારણે ત્યાં તપગચ્છનો ઘણો પ્રભાવ વધી ગયો હતો. ખંભાતના ચાતુર્માસ પછી ગુજરાતમાં જુદે જુદે સ્થળે તેઓ વિચર્યા. ત્યારપછી ચાતુર્માસ માટે તેઓ સાણંદ પધાર્યા.
વિક્રમ સંવત ૧૯૫૬નું ચાતુર્માસ સાણંદમાં કરી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા.
મહારાજશ્રીએ વિ. સં. ૧૯૫૬, ૧૯૫૭, ૧૯૫૮નું એમ ત્રણ ચાતુર્માસ અમદાવાદમાં જુદા જુદા ઉપાશ્રયે કર્યા. આ સમય દરમિયાન તેઓ પંન્યાસ શ્રી નેમિવિજયજી (શ્રી વિજયનેમિસૂરિ)ના ગાઢ સંપર્કમાં આવ્યા. પોતાનાથી વય, દીક્ષાપર્યાય તથા જ્ઞાનાભ્યાસમાં મોટા એવા શ્રી નેમિવિજયજીની તેજસ્વી, ધીરગંભીર પ્રતિભા, અસાધારણ વ્યાખ્યાનશૈલી તથા કડક ચારિત્રપાલનથી તેઓ બહુ પ્રભાવિત થયા. પંન્યાસ નેમિવિજયજીને પણ મુનિ આનંદસાગરની તેજસ્વી મુખમુદ્રા અને શાસ્ત્રાભ્યાસ માટેની અદમ્ય ઝંખના સ્પર્શી ગઈ. તેઓ સાથે મળીને શાસ્ત્રચર્ચા કરતા, શંકાસમાધાન કરતા અને શાસનોન્નતિ માટે વિચારવિનિમય કરતા. મુનિ આનંદસાગરનાં દીક્ષા પછીનાં તરતનાં આટલાં વર્ષોમાં એમની પવિત્ર વાણીનો લાભ સૌથી વધુ મળ્યો હોય તો તે અમદાવાદને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org