________________
૩૭૮
પ્રભાવક સ્થવિરો
જ તેઓ બેઠા હતા. માણિક્યસાગરસૂરિ તથા અન્ય સાધુઓ અને ગૃહસ્થોએ નવકારમંત્રની ધૂન ચલાવી હતી. થોડી થોડી વારે જમણા હાથનો અંગૂઠો વેઢા ઉપર ફરતો હતો. બપોરના સાડા ત્રણ થયા હતા. અમૃત ચોઘડિયાને થોડી વાર હતી. અમૃત ચોઘડિયું શરૂ થયું. મહારાજશ્રીએ આંખો ખોલી. સૌની સામે નજર કરી લીધી. બે હાથ જોડી પ્રસન્ન વદને, મૌનપૂર્વક સર્વની સાથે ક્ષમાપના કરી લીધી અને પાછી આંખો બંધ કરી કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થઈ ગયા.
થોડીવારે મહારાજશ્રીની ટટ્ટાર ગરદન ખભા પર ઢળી પડી. જીવ ગયો એમ સૌએ જાણ્યું. વૈદ્ય-ડૉક્ટરોએ નાડી તપાસી તો તે બંધ થઈ ગઈ હતી
સાગરજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર વાયુવેગે સર્વત્ર પ્રસરી ગયા. આગમોદ્ધારક, આગમદિવાકર એવા એ શતકના એક મહાન જૈનાચાર્યના કાળધર્મના સમાચારથી ઘણા લોકોને આઘાત લાગ્યો. બહારગામના એમના અનેક ભક્તો એમના પાર્થિવ દેહનાં દર્શન માટે સુરત દોડી આવ્યા.
બીજે દિવસે વૈશાખ વદ છઠ્ઠના દિવસે એમના દેહને અગ્નિસંસ્કાર કરવાનું જાહેર કરવામાં આવ્યું. એ માટે દેવવિમાન જેવી સુશોભિત શિબિકા તૈયાર કરવામાં આવી. અગ્નિસંસ્કાર નગર બહાર તાપી નદીના કિનારે થાય. પરંતુ લોકોની ભાવના એવી હતી કે આગમમંદિરની પાસે આવેલી સંસ્થાની માલિકીની ખુલ્લી જમીનમાં જો અગ્નિસંસ્કાર કરવામાં આવે તો ત્યાં ભવ્ય ગુરુમંદિર બંધાવી શકાય, જે આગમમંદિરની પાસે જ હોય. નગરની ગીચ વસ્તીવાળા વિસ્તારની મધ્યમાં અગ્નિસંસ્કાર માટે સામાન્ય કાયદા પ્રમાણે પરવાનગી મળે નહિ. પરંતુ મહારાજશ્રીની સમસ્ત સુરતમાં એટલી મોટી સુવાસ હતી કે એ સ્થળે અગ્નિસંસ્કાર માટે કાયદેસરની તમામ કાર્યવાહી ઝડપથી થઈ ગઈ. અમલદારોએ ત્વરિત નિર્ણયો લીધા. આસપાસ રહેતા જૈનેતર લોકોએ પણ સાગરજી મહારાજ અમારા પણ ગુરુ ભગવંત છે' એવી વાણી ઉચ્ચારી અગ્નિસંસ્કાર માટે લેખિત સંમતિ આપી. અગ્નિસંસ્કારનો ચડાવો પણ ક્ષત્રિય કોમના જયંતીલાલ વખારિયાએ લીધો. તેમણે કહ્યું કે, “અમને વારસામાં જૈન ધર્મ મળ્યો નથી, પણ અમે સાગરજી મહારાજ પાસેથી ધર્મ પામ્યા છીએ. અમે મહારાજશ્રીના ધર્મપુત્ર છીએ.'
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org