________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ
રચના કરી છે અને બે વિભાગમાં દરેક ૧૦૧-૧૦૧ પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રપ્રમાણ સાથે આપ્યા છે. એમાં એમની બહુશ્રુતતાનાં સુભગ દર્શન થાય છે.
શ્રી વીરવિજયજીનો શ્રોતાભક્તવર્ગ પણ કેટલો બધો સજ્જ હશે તે આ ગ્રંથોની રચના પરથી જણાય છે. વળી એમણે અમદાવાદમાં એક ચાતુર્માસ દરમિયાન વ્યાખ્યાન માટે ‘વિશેષાવશ્યક' જેવો કઠિન, તત્ત્વગંભીર ગ્રંથ પસંદ કર્યો હતો. એ પણ આ વાતની સાક્ષી પૂરે છે.
ઈ. સ. ૧૯૦૮માં અમદાવાદના શ્રી ગિરધરભાઈ હીરાભાઈ શાહે પોતાના દાદા શ્રી પુંજાશા પીતાંબરદાસ કે જેઓ શ્રી વીરવિજયજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા તેમની પાસેથી સાંભળેલી અને બીજાઓ દ્વારા જાણેલી માહિતીની આધારે શ્રી વીરવિજયજી વિશે ‘ટૂંકો પ્રબંધ' લખ્યો છે. તેમાં બે-ત્રણ વિગતો એવી આવે છે કે જેનો અન્યત્ર ક્યાંય ઉલ્લેખ થયો નથી. તેમણે શ્રી મગનલાલ વખતચંદ પાસેથી એ વાતો સાંભળી હતી. એક વાર કોઈકે મહારાજશ્રીને એવી વાત કરી કે અમુક ગામના કોઈ શ્રાવક ભાઈ આનંદઘનજીનાં પદોનો અર્થ બરાબર શ્રી આનંદઘનજીના હેતુ અને આશય પ્રમાણે કરી શકે છે. મહારાજશ્રીએ કહ્યું, ‘પદ કે સ્તવનના અર્થ પોતાની વિદ્વત્તા પ્રમાણે કોઈ કરી શકે પણ કવિના હેતુ કે આશય પ્રમાણે જ તે બરાબર કરી શકે છે એવું હંમેશાં દરેક વખતે ન કહેવાય, કારણ કે કવિનો આશય કેટલીક વાર ઘણો ગૂઢ હોય છે.’ ત્યારપછી બીજે દિવસે એ શ્રાવક ભાઈ મહારાજશ્રીને મળવા આવ્યા. તે વખતે મહારાજશ્રીએ એમને શંખેશ્વર પાર્શ્વનાથ વિશેનું પોતાનું એક સ્તવન આપ્યું કે જેની પ્રથમ પંક્તિ હતીઃ ‘સહજાનંદી શીતળ સુખભોગી’. એ સ્તવનના અર્થ તે ભાઈ કરી ન શક્યા એટલું જ નહિ પણ સ્તવન કયા ભગવાનનું છે તે પણ જણાવી ન શક્યા. એટલે મહારાજશ્રીએ એમને કહ્યું કે, ‘કાવ્યના શબ્દાર્થ કરી બતાવવા એ એક વાત છે અને કાવ્યના રચનારનો આશય બરાબર કહી બતાવવો એ બીજી વાત છે. આશય ન જ કહી શકાય એવું નથી, પણ તેવો દાવો કરી ન શકાય.’
મહારાજશ્રી કવિ દલપતરામ ડાહ્યાભાઈના સમકાલીન હતા. દલપતરામ અમદાવાદમાં રહેતા હતા અને ગુજરાતી કવિતામાં એમનું નામ એ જમાનામાં અગ્રગણ્ય હતું. એ જમાનામાં સંસ્કૃત વૃત્તમેળ છંદોને બદલે માત્રામેળ છંદોમાં અને દેશીઓમાં ગુજરાતી કવિતાની રચના થતી હતી. કવિતા ગેય
Jain Education International
For Private & Personal Use Only
૩૯૩
www.jainelibrary.org