________________
૩૪૬
પ્રભાવક સ્થવિરો
પ્રસરતાં અન્ય સંપ્રદાયવાળા સાધુઓ પણ શાંત રહ્યા. કોઈ વિવાદ એમણે ઊભો કર્યો નહિ. સૌ પોતપોતાની રીતે પોતાની આરાધનામાં મગ્ન રહ્યા.
પાલીનગરના ચાતુર્માસથી મહારાજશ્રીનું નામ મારવાડના એ વિસ્તારમાં બહુ જાણીતું થઈ ગયું. પાલીના સંઘને એથી બહુ સંતોષ થયો. પાલીના ચાતુર્માસની ખ્યાતિથી પ્રેરાઇને મારવાડમાં સોજતનગરના આગેવાનોએ ચાતુર્માસનો લાભ પોતાના નગરને મળે એ માટે આગ્રહપૂર્વક વિનંતી કરી. મહારાજશ્રીએ આસપાસનાં ગામોમાં વિચરણ કરી સંવત ૧૯૫૧નું ચાતુર્માસ સોજતમાં કર્યું. એથી ત્યાં પણ બહુ ધર્મજાગૃતિ આવી.
મહારાજશ્રી મારવાડમાં હતા ત્યાં એમને સમાચાર મળ્યા કે એમના સંસારી પિતાશ્રી મગનભાઇએ દીક્ષા લીધી છે. આ સમાચાર જાણીને મહારાજશ્રીને બહુ આનંદ થયો. દીક્ષિત થયેલા પોતાના સંસારી પિતાને મળવા માટે એમની ઉત્સુકતા વધી ગઈ. એટલે મહારાજશ્રીએ ગુજરાત તરફ વિહાર કર્યો.
મુનિ આનંદસાગરના પિતા મગનભાઈનું પોતાનું મન પણ બંને દીકરાઓની દીક્ષા પછી સંસારમાંથી ઊઠી ગયું હતું. તેઓ શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યા હતા, પરંતુ મનથી તેઓ કશીક તૈયારી કરી રહ્યા હતા. તેમણે પોતાની લેવડ–દેવડના હિસાબો ચૂકતે કરી દીધા હતા, બીજા બધા સામાજિક વ્યવહારોમાંથી પણ તેઓ નિવૃત્ત થઈ ગયા હતા. એક દિવસ એમણે ઘરમાં પ્રસ્તાવ મૂક્યો કે પોતાને શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ભાવના થઈ છે. તેઓ એકલા ઊપડી ગયા. એ દિવસોમાં કાઠિયાવાડમાં રેલવે-વ્યવહાર નહોતો. ઘણુંખરું ગાડા-માર્ગ અથવા પગપાળા મુસાફરી કરવી પડતી. એટલે શત્રુંજયની યાત્રા સાથે આવવા માટે પરિવારમાંથી બીજા કોઈએ આગ્રહ કર્યો નહિ.
મગનભાઈએ સિદ્ધગિરિ, શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી દેવાધિદેવ ભગવાન આદિનાથની પૂજાસેવા કરીને અનન્ય ધન્યતા અનુભવી. ચૈત્યવંદન કરતાં કરતાં, ભગવાનની સ્તુતિ કરતાં કરતાં તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ભગવાનને તેઓ પ્રાર્થના કરવા લાગ્યા કે પોતાને કુટુંબ- પરિવારના બંધનોમાંથી, સંસારના વ્યવહારમાંથી છોડાવે. પોતાને ચારિત્ર અંગીકાર કરવાનો યોગ આપે. તેમણે ભગવાનને વિનંતી કરી કે, “હે પ્રભુ! મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org