________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
લેખો પણ લખ્યા. એમણે તે સમયે સયાજીરાવ ગાયકવાડને વિગતવાર પત્ર લખ્યો અને તેમની સાથે ચર્ચા વિચારણા માટે સમય આપવામાં આવે એવી માગણી કરી. લોકલાગણી એવી હતી કે છેવટે સયાજીરાવ ગાયકવાડે મહારાજશ્રીને મળવાનો સમય આપ્યો. પરંતુ એટલા ઓછા દિવસનો ગાળો જાણી જોઈને રાખ્યો કે જેથી મહારાજશ્રી વિહાર કરીને વડોદરા પહોંચી શકે નહિ. જ્યારે મહારાજશ્રીને ગાયકવાડનો પત્ર મળ્યો ત્યારે તેમણે ગણતરી કરી જોઈ. રોજના લગભગ ત્રીસ માઈલનો વિહાર કરે ત્યારે તેમનાથી વડોદરા પહોંચી શકાય એમ હતું. મહારાજશ્રીની તબિયત એવી નહોતી કે રોજના એટલા માઈલનો વિહાર કરી શકે. પરંતુ શાસનનું કાર્ય હતું એટલે મહારાજશ્રીએ દઢ સંકલ્પ કર્યો કે ગમે તે થાય, ગાયકવાડે આપેલા સમયે વડોદરા પહોંચી જ જવું છે. તેઓ પોતાના શિષ્યો સાથે રોજના પચીસ-ત્રીસ માઈલનો વિહાર કરી વડોદરા પહોંચી ગયા.
આ સમર્થ જૈન મહાત્મા તો ઉગ્ર વિહાર કરી ખરેખર વડોદરા આવી રહ્યા છે એવી સયાજીરાવને એમના દીવાને ખબર આપી ત્યારે તેઓ વિમાસણમાં મુકાઈ ગયા. તેમની સાથે વાદવિવાદમાં કે ચર્ચાવિચારણામાં પોતે ફાવી શકશે નહિ એમ જણાતાં આગલે દિવસે સયાજીરાવ ગાયકવાડ વડોદરા છોડી મહાબળેશ્વર ચાલ્યા ગયા.
ગાયકવાડ વડોદરામાં મળવાનો સમય આપવા છતાં હાજર રહ્યા નથી એ જાણીને મહારાજશ્રી નિરાશ થઈ ગયા. પરંતુ રાજ્યસત્તા આગળ કશું ચાલ તેમ નહોતું એવા એ દિવસો હતા. અલબત્ત, સયાજીરાવે લેખિત નિમંત્રણ આપ્યા છતાં મહારાજશ્રીને મુલાકાત આપી નહિ એ વાતના એવા પ્રત્યાઘાત લોકોનાં મન ઉપર પડ્યા હતા.
વડોદરાથી વિહાર કરી, મહેસાણામાં ચાતુર્માસ કરી મહારાજશ્રી જામનગર થઈ પાલિતાણા ચાતુર્માસ માટે પધાર્યા. અહીં શ્રી માણિક્યસાગર વગેરે ચારે શિષ્યોને આચાર્યની પદવી આપવામાં આવી તથા શ્રી માણિક્ય-સાગરસૂરિને મહારાજશ્રીના પટ્ટશિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા. મહારાજશ્રી પાલિતાણાથી વિહાર કરીને જામનગર પધાર્યા અને ત્યાં બે ચાતુર્માસ કર્યો. અમદાવાદ, સુરત, પાલિતાણા, ઉપરાંત જામનગર પણ મહારાજશ્રીનું એક મુખ્ય ક્ષેત્ર બની ગયું હતું. ત્યાં એમની પ્રેરણાથી જ્ઞાનમંદિર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org