________________
૩૫૨
પ્રભાવક સ્થવિરો
પુસ્તકોદ્ધાર ફંડ” નામની સંસ્થાની તરત સ્થાપના થઈ અને એના ઉપક્રમે એક પછી એક આગમગ્રંથો મુદ્રિત થઈને પ્રગટ થવા લાગ્યા. એ સમયે કેટલાક મુનિ મહારાજોએ આગમગ્રંથો છપાવવા સામે વિરોધનો સૂર ઉઠાવ્યો હતો, પરંતુ તે વધુ વખત ટક્યો નહિ, કારણ કે તેઓ પોતે જ પોતાના ઉપયોગ માટે આગમગ્રંથોની નકલ મગાવવા લાગ્યા હતા. હસ્તપ્રતો દુર્લભ રહેતી. વળી તેમાં અક્ષરો ઝીણા અને શબ્દો અડોઅડ રહેતા, કારણ કે તેવા કાગળો ઘણા મોંઘા આવતા. વળી તેમાં લહિયાની સરતચૂક થઈ હોય તેવાં શંકાસ્થાનો પણ રહેતાં. પરંતુ મુદ્રિત ગ્રંથોમાં અક્ષરો મોટા રહેતા, શબ્દો છૂટા છપાતા. બે પંક્તિઓ વચ્ચે જગ્યા રહેતી અને પૂરેપૂરી ભાષા-શુદ્ધિપૂર્વક ગ્રંથ છપાતો. આથી મુદ્રિત ગ્રંથની ઉપયોગિતા સ્વયમેવ સિદ્ધ થઈ ગઈ હતી. એથી જ મહારાજશ્રીના આ ક્રાંતિકારી કાર્યની પછીથી ભારોભાર પ્રશંસા થવા લાગી હતી.
સુરતના ચાતુર્માસ પછી મહારાજશ્રી વિ. સં. ૧૯૬૪માં મુંબઈ પધાર્યા. મુંબઈમાં સુરતીઓ તો એમના ભક્તો હતા જ, પરંતુ અન્ય લોકોનાં પણ આદર-બહુમાન મહારાજશ્રીએ જીતી લીધાં હતાં. સુરતની જેમ મુંબઈમાં પણ એમના ઘણાખરા ભક્તો એમને “સાગરજી મહારાજ' તરીકે ભાવભરી રીતે ઓળખતા અને પરસ્પર વાતચીતમાં એ જ નામનો ઉપયોગ કરતા.
મુંબઈમાં લાલબાગના ઉપાશ્રયે મહારાજશ્રીના ચાતુર્માસે મોટું આકર્ષણ જમાવ્યું હતું. એમનું વ્યાખ્યાન સાંભળવા માટે રોજેરોજ ચિક્કાર મેદની એકત્રિત થતી હતી.
આ દિવસો દરમિયાન એક એવી ઘટના બની કે જેથી જૈન સંઘોએ જાગ્રત બનવાની જરૂર પડી. બ્રિટિશ સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી હતી. અંગ્રેજો ભારતમાં રહ્યા હતા, પરંતુ ભારતની ગરમી તેમનાથી સહન થતી નહિ. આથી ઉનાળામાં તેઓ પર્વતો ઉપર-સિમલા, મસુરી, દાર્જિલિંગ, આબુ, માથેરાન, મહાબળેશ્વર, ઉટાકામંડ, કોડાઈકેનાલ વગેરે પર્વતો ઉપર રહેવા ચાલ્યા જતા, એ માટે એવાં ઘણાં સ્થળે જવાની પોતાને અનુકૂળતા રહે એ માટે તેઓએ નેરોગેજ રેલવે લાઈન પણ નાખી હતી. બિહારમાં હવે એ રીતે શિખરજીના ડુંગર ઉપર બ્રિટિશ સરકારે રહેવાના બંગલા બાંધવાની યોજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org