________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૩૭
ધાર્મિક વાતાવરણ વધુ પ્રબળ હતું એમાં કપડવંજનો પણ સમાવેશ થાય છે. કપડવણજ' (કર્ણાટ વાણિજ્ય) પ્રાચીન નગરીઓમાંની એક નગરી ગણાય છે. પ. પૂ. અભયદેવસૂરિ કપડવંજમાં રહ્યા હતા. જિનમંદિરો, ધાર્મિક ઉત્સવો, પાઠશાળાઓમાં વિદ્યાભ્યાસ, સાધુ-સાધ્વીઓનાં ચાતુર્માસ અને વિચરણની દૃષ્ટિએ કપડવંજ એક જાગતું અને ગાજતું શહેર ગણાતું.
| વિક્રમના વીસમા શતકના આરંભમાં આ કપડવંજના શ્રેષ્ઠીઓમાં શેઠ મગનભાઈનું કુટુંબ આવા ધાર્મિક સંસ્કાર અને પવિત્ર વાતાવરણવાળું હતું. પૈસેટકે તેઓ ઘણા સુખી હતા. એમનાં પત્નીનું નામ હતું યમુના. તેઓને બે દીકરાઓ હતા. એકનું નામ હતું મણિલાલ અને બીજાનું નામ હતું હેમચંદ્ર.
હેમચંદ્ર તે જ ભવિષ્યના આગમોદ્ધારક, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરિ, જેમને લોકો સાગરજી મહારાજ' તરીકે ઓળખતા રહ્યા છે.
હેમચંદ્રનો જન્મ કપડવંજમાં વિ. સં. ૧૯૩૧માં અષાઢ વદ અમાસના રોજ થયો હતો. એમના જન્માક્ષર બનાવતી વખતે જોશીએ મગનભાઇને કહ્યું હતું કે, “તમારો આ પુત્ર એક મહાન પુરુષ થશે.”
યોગ્ય વય થતાં હેમચંદ્રને નિશાળમાં બેસાડવામાં આવ્યા. શાળામાં બીજા વિદ્યાર્થીઓ કરતાં તેઓ વધુ તેજસ્વી હતા. રમવામાં તેઓ કંઈક તોફાની પણ હતા. ગિલ્લી-દંડાની રમત રમતાં એક વખત એમના હાથે શેરીમાં સુધરાઈના ફાનસનો કાચ તૂટી ગયો હતો. બાલ્યાવસ્થામાં એમને ડોકમાં મોટું ગૂમડું થયું હતું. પરંતુ તે ફૂટતું નહોતું. એક દિવસ વડીલબંધુ સાથે તોફાનમસ્તી કરતા હતા ત્યારે હેમચંદ્રને તમાચો મારવા માટે માતાએ હાથ ઉગામ્યો, પરંતુ તે ગૂમડાને વાગ્યો, ગૂમડું ફૂટ્યું અને રૂઝ આવી ગઈ.
બાલ હેમચંદ્ર નજીકના ઉપાશ્રયે જતા અને માતા-પિતાની સૂચનાનુસાર સાધુ-સાધ્વીને ગોચરી વહોરવા ઘરે પધારવા માટે બોલાવી લાવતા. નવા આવેલાં અપરિચિત સાધુ-સાધ્વીઓને તેઓ શેરીનાં જૈનોનાં ઘર બતાવવા લઈ જતા. ઉપાશ્રયમાં જવા-આવવાને લીધે તથા સાધુ ભગવંતોની વાતો સાંભળવાને લીધે એમનામાં ધાર્મિક સંસ્કાર ખીલ્યા હતા અને સાધુજીવન પ્રત્યે આકર્ષણ જન્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org