________________
શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ
૨૦૧
થોડા વખત પછી મહારાજશ્રીએ એમને પોતાની પાસે આવવા કહ્યું હતું. એટલે તેઓ આબુ સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી બસમાં બેસી જ્યારે તેઓ દેલવાડાના બસસ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે તેમને અચાનક જ પોતાની બહેરાશ ચાલી ગઈ હોય તેવો અનુભવ થયો. તેમને ત્યાંથી પસાર થતી મોટરનું હૉર્ન સંભળાવા લાગ્યું. તેઓ મહારાજશ્રી પાસે ગયા. મહારાજશ્રીએ કહ્યું, “જાઓ, પહેલાં દેરાસરમાં જઈ ભગવાનનાં દર્શન કરો અને ઘંટ વગાડો. એ ઘંટ તમને સંભળાશે. એટલે તમારા કાનની બહેરાશ કાયમ માટે ચાલી જશે.”
મહારાજશ્રીની સૂચના પ્રમાણે તેમણે દેરાસરમાં જઈ દર્શન કરી ઘંટ વગાડ્યો. હવે બધું સ્પષ્ટ સંભળાવા લાગ્યું. મહારાજશ્રીની વાત સાચી પડી, એ ભાઈનું ગાંડપણ અને કાનની બહેરાશ બંને કાયમ માટે ચાલ્યાં ગયાં. એમને મહારાજશ્રીની કૃપાનો એક ચમત્કારિક અનુભવ થયો, જે જીવનભર યાદ રહી ગયો.
મહારાજશ્રીના જીવનના ચમત્કારિક અનુભવો તો અનેકને થયા હશે. આવા ચમત્કારિક લાભના લોભે પણ તેમની પાસે ઘણા માણસો આવતા. પરંતુ મહારાજશ્રીની એટલી ઓળખાણ અધૂરી ગણાય. તેઓ સાચા અધ્યાત્મયોગી હતા. આત્મસમાધિમાં લીન રહેનાર મહાન અવધૂત હતા. કપાળમાં ચંદ્રની આકૃતિ અને હથેળીમાં ત્રિશૂળની આકૃતિ ધરાવનાર, અલ્પ નિદ્રા લેનાર, વિશેષપણે મૌન અને ધ્યાનમાં રહેનાર કે “ૐ શાંતિઃ”નો જાપ કરનાર, એકંદરે ઓછું, સૂત્રાત્મક, અર્ધગર્ભિત બોલનાર આ મહાત્માની અંદરની મસ્તી અનોખી હતી.
મહારાજશ્રી જ્યારે બામણવાડામાં બિરાજમાન હતા ત્યારે મારવાડના વિસલપુર ગામના આગેવાનોની વિનંતી સ્વીકારીને વિસલપુર પધાર્યા હતા. એમની નિશ્રામાં ત્યાંના જિનાલયમાં પ્રતિષ્ઠાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો હતો. હજારો માણસો એ પ્રસંગે આવ્યા હતા. ઉનાળાનો સમય હતો, એટલે સંઘના આગેવાનોને બીક હતી કે રખેને કૂવાનું પાણી ખૂટી જાય. પરંતુ મહારાજશ્રીની ઉપસ્થિતિમાં એવું કશું થયું નહિ, ઉત્સવ હેમખેમ પાર પડ્યો. એ પ્રસંગે પધારેલા જુદા જુદા સંઘના આગેવાનોએ એકત્ર થઈને મહારાજશ્રીને “યુગપ્રધાન'નું બિરુદ આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org