________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
તેઓને વ્યાખ્યાન આપતા તથા દિવસ દરમિયાન અભ્યાસ કરાવતા. મહારાજશ્રીએ પોતાની આ પાઠશાળાને ‘શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા' એવું નામ આપ્યું અને લાઈબ્રેરીને ‘હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી' એવું નામ આપ્યું. આ રીતે જૈન ધર્મના બે મહાન ધુરંધરોનાં નામ કાશીમાં પ્રચલિત કર્યાં. તેઓ પોતાના વિદ્યાર્થીઓને જૈનદર્શન ઉપરાંત સંસ્કૃત વ્યાકરણ, કાવ્યાલંકાર, નાટક, ન્યાય, જ્યોતિષ વગેરે વિષયોમાં પારંગત બનાવવા લાગ્યા. આમ છતાં મહારાજશ્રીએ જોયું કે કાશીમાં ચારે બાજુ જૈનો માટેનો દ્વેષ વરતાયા કરતો હતો. લોકોમાં એ માટે અજ્ઞાન અને પૂર્વગ્રહ છે તે દૂર કરવાં જોઈએ. એ માટે મહારાજશ્રીએ એક ઉપાય વિચાર્યો. જાહેર સ્થળોમાં જઈને પોતે વ્યાખ્યાન આપતા અને જૈન ધર્મનાં ઉત્તમ તત્ત્વોથી લોકોને વાકેફ કરતા.
808
મહારાજશ્રીની વક્તૃત્વશક્તિ ઘણી જ ખીલી હતી. એમનો અવાજ હજારોની મેદનીમાં સાંભળી શકાય એવો મધુર અને બુલંદ હતો. તેમની વિદ્વત્તા ભારે હતી. જૈન ઉપરાંત હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ વગેરેના ધર્મો અને ધર્મગ્રંથોથી તેઓ પરિચિત થઈ ગયા હતા. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, ઉપરાંત હિંદી ભાષા ઉપરનું તેમનું પ્રભુત્વ ઘણું સારું થઈ ગયું હતું. અનેક શ્લોકો એમને કંઠસ્થ હતા. કવિતાની પંક્તિઓ તેઓ સરસ ગાઈ શકતા. આથી એમણે રોજ સાંજે પોતાના શિષ્યો અને વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા સ્થળે જવાનું ચાલુ કર્યું. રસ્તા પર ખુલ્લી જગ્યામાં જાહેર સભા યોજવા માટે ત્યારે કોઈ બંધનો નહોતાં. કશી પૂર્વતૈયારીની પણ જરૂર નહોતી. મહારાજશ્રી માટે પાટની પણ જરૂર નહોતી. મંડપ બાંધવાની જરૂર નહોતી. લાઉડસ્પીકર કે માઇક્રોફોન તો હજુ આવ્યું નહોતું. પોતાના સાધુઓ અને વિદ્યાર્થીઓ એ જ શ્રોતાગણ. એટલે શ્રોતાઓ મેળવવા માટે પણ કોઈ પ્રશ્ન નહોતો. તેઓ બધા કોઈ એક સ્થળે જઈ, સભાની જેમ ગોઠવાઈ જતા, મહારાજશ્રી ઊભા ઊભા એક કલાક વ્યાખ્યાન આપતા. પસાર થતા લોકોમાંથી જેને જેટલો રસ પડે તે પ્રમાણે સાંભળવા ઊભા રહેતા કે બેસી જતા. રાજઘાટ, મણિકર્ણિકા ઘાટ, કંપની બાગ વગેરે જુદાં જુદાં જાહેર સ્થળોમાં મહારાજશ્રી આ રીતે પહોંચી જતા. ધર્મનાં મૂળભૂત ત્તત્વોની વાત કરતા. કોઈ ધર્મની ટીકા, નિંદા કરતા નહિ, પણ તેમાંથી પણ સારાં સારાં અવતરણો ટાંકતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org