________________
૩૨૦
પ્રભાવક સ્થવિરો
તેમણે ભલામણ કરી છે એટલે એ બાબત જરૂર કરવા યોગ્ય જ હોય. આબુના જૈનમંદિર અંગે તમારી શી ઇચ્છા છે ?'
મહારાજશ્રીએ કહ્યું કે, ‘અમારા જિનમંદિરની પવિત્રતા સચવાય એટલા માટે કોઈ પણ વ્યક્તિ બૂટ-ચંપલ પહેરી મંદિરમાં દાખલ થાય નહિ એ માટે સરકારે કાયદો કરવાની જરૂર છે.’
કૅલ્વિનસાહેબે કહ્યું, ‘તમે મને એક વિગતવાર અરજી લખીને આપો. એની સાથે ડૉ. થૉમસનો ભલામણપત્ર હું જોડીશ અને સાથે મારી ભલામણ પણ લખીશ અને એ તમારો પત્ર દિલ્હી વાઈસરૉયને હું મોકલી આપીશ એટલે તમારું કામ થઈ ગયું જ સમજો.'
મહારાજશ્રીએ એક શ્રેષ્ઠી પાસે અરજી લખાવીને આપી. સર કૅલ્વિને તે પોતાની ભલામણ સાથે દિલ્હીની અંગ્રેજ હકૂમતને મોકલી આપી. થોડા દિવસમાં જ લેખિત હુકમ આવી ગયો કે આબુના જિનમંદિરમાં કોઈ પણ યુરોપિયન કે અન્ય કોઈ વ્યક્તિ બૂટ-ચંપલ પહેરીને પ્રવેશી શકશે નહિ.
મહારાજશ્રીના પ્રયાસથી આ કાર્ય સફળ થયું. આજે જે કાર્ય બહુ મહત્ત્વનું ન લાગે એ કાર્ય એ જમાનામાં કેટલું બધું કઠિન હતું કે ચાર-પાંચ દાયકા જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ અને અન્ય સંસ્થાઓએ કરેલા પ્રયાસો છતાં તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું. મહારાજશ્રીની દૂરંદેશી અને વિદેશીઓ સાથેના સુવાસભર્યા સંપર્કને પરિણામે એ કાર્ય સરળતાથી પાર પડ્યું. પછીથી તો ભારતનાં તમામ જિનમંદિરો માટે આ કાયદો વિદેશીઓને-અન્ય ધર્મીઓને લાગુ પડી ગયો હતો. એટલે રાણકપુર, શત્રુંજય જેવાં અન્ય સુપ્રસિદ્ધ જૈન-મંદિરોમાં પણ આ પ્રકારની આશાતના બંધ થઈ ગઈ.
મહારાજશ્રી અજમે૨થી બ્યાવર પધાર્યા અને ચાતુર્માસ ત્યાં કર્યું. બ્યાવરમાં મહારાજશ્રીના વિદ્વાન શિષ્યો શ્રી ઈન્દ્રવિજયજીને ઉપાધ્યાયની પદવી તથા શ્રી મંગલવિજયજીને પ્રવર્તકની પદવી આપવાનો તથા મહારાજશ્રીના એક વિદ્યાર્થીને દીક્ષા આપવાનો અઠ્ઠાઈ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.
બ્યાવ૨માં મહારાજશ્રીની વાણી સાંભળી એક પારસી એન્જિનિયર શ્રી ધનજીભાઈ મહારાજશ્રીના પરમ ભક્ત થઈ ગયા હતા અને જૈન ધર્મના અનુરાગી બની શાકાહારી થઈ ગયા હતા. તદુપરાંત શ્રી ભગવાનદાસ ઓઝા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org