________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૦૯
ઊભા રહી અહિંસા-જીવદયા વિશે વ્યાખ્યાન આપતા. જ્યાં શાળાઓ હોય ત્યાં શાળાઓમાં જઈ હેડમાસ્તરને મળી શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાન આપતા. ક્યારેક જરૂર પડે તો એવી શાળાઓમાં રાત્રિમુકામ પણ કરતા. મહારાજશ્રી અને એમના શિષ્યો ગોચરી વહોરી લાવતા. વિદ્યાર્થીઓ બજારમાંથી કશુંક ખાવાનું લાવીને ખાઈ લેતા અથવા અનુકૂળતા હોય તો હાથે રસોઈ બનાવી લેતા. જોકે ખાવાની વાતને તેઓ બહુ મહત્ત્વ આપતા નહિ. ક્યારેક આખા દિવસ દરમિયાન ખાવાનું ન મળે, અથવા માત્ર ચણામમરા મળે એવું પણ બનતું. આમ ઘણાં કષ્ટપૂર્વક તેઓનો વિહાર ચાલ્યો હતો, પરંતુ એનો એમને જરા પણ રંજ નહોતો. કોઈ કોઈ વખત એવા બનાવો બનતા કે શિષ્યો-વિદ્યાર્થીઓ પોતપોતાની ઝડપે ચાલતા હોય એટલે આગળ-પાછળ થઈ જતા. બે રસ્તા આવે કે બે કેડી આવે તેમાં કોઈ નિશાની હોય નહિ એટલે કેટલાક એક બાજુ ચાલ્યા જતા અને કેટલાક બીજી બાજુ. એટલે રાત્રિમુકામ વખતે મેળાપ ન થાય તો આગળનો વિહાર અટકાવી દેવો પડતો. કોઈ કોઈ વખત બધા એકત્ર થવામાં ત્રણ ચાર દિવસ નીકળી જતા. તેઓ બધા જ્યારે પટના પહોંચવા આવ્યા હતા, ત્યારે વિખૂટા પડી ગયા હતા. અને ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા અટવાયા હતા. પોલીસની મદદ લેવી પડી હતી. છેવટે બધા પટનામાં એકત્ર થયા હતા.
પટનામાં બીજા વીસ વિદ્યાર્થીઓ ટ્રેન દ્વારા આવી પહોંચ્યા. તેઓને પણ સાથે લઈને મહારાજશ્રીએ સમેતશિખર, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, ગુણિયાજી વગેરે સ્થળોની તીર્થયાત્રા કરી.
સમેતશિખરજીની યાત્રા મહારાજશ્રીએ ખૂબ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક કરી. જીવનમાં પહેલી જ વાર આ તીર્થની તેઓ યાત્રા કરતા હતા, એટલે એમનો આનંદ એટલો બધો હતો અને સ્થળની રમણીયતા એટલી બધી હતી કે બીજે દિવસે પણ મહારાજશ્રી કેટલાક વિદ્યાર્થીઓ સાથે પહાડ ઉપર ફરીથી ચડ્યા. ઉપર દર્શન-વંદન સારી રીતે થયાં, પરંતુ નીચે ઊતરતી વખતે મહારાજશ્રીનો એક પગ જકડાઈ ગયો. કોઈ નસ ખેંચાઈ ગઈ. બહુ કષ્ટ થવા લાગ્યું. દુખાવો વધતાં પગે સોજો પણ ચડી ગયો. વિદ્યાર્થીઓ- શિષ્યો તેમને ઊંચકીને નીચે ધર્મશાળામાં લઈ આવ્યા. તાત્કાલિક કેટલાક ઉપચારો કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org