________________
૩૦૪
પ્રભાવક સ્થવિરો
જેનો પ્રત્યેનો દ્વેષ દૂર કરવા મહારાજશ્રીનો આ ઉપાય બહુ સફળ નીવડ્યો. શ્રોતાઓની હાજરી દિવસે દિવસે વધવા લાગી. કેટલાક તો નિયમિત આવવા લાગ્યા. ખરેખર બહુ રસ પડે અને સારું જાણવા મળે એવાં વ્યાખ્યાનો હતાં. શ્રોતાગણની વીસની સંખ્યામાંથી સો-બસો કરતાં કરતાં હજાર-બે હજારની થવા લાગી. પછી તો અગાઉથી સ્થળ પણ જાહેર કરવું પડતું કે જેથી શ્રોતાઓ નિરાશ ન થાય. થોડા મહિનામાં તો આખા કાશીમાં વાત પ્રસરી ગઈ કે કોઈ જૈન સાધુ મહાત્મા આવ્યા છે અને તેઓ બહુ સરસ વ્યાખ્યાનો આપે છે. આ વાત સામાન્ય શ્રોતાઓમાંથી પંડિત વર્ગમાં પણ ચાલી અને પછીથી તો મહારાજશ્રીનાં વ્યાખ્યાનોમાં પંડિતો પણ આવવા લાગ્યા, કારણ કે તેઓને પણ સંતોષ થાય અને નવું જાણવા મળે એવી વિદ્વભોગ્ય વાતો પણ વ્યાખ્યાનમાં આવવા લાગી. આમ કરતાં કરતાં કાશીના રાજાની રાજસભામાં ચર્ચા થવા લાગી કે કોઈ જૈન મહાત્માનાં વ્યાખ્યાનો બહુ સરસ થાય છે અને સાહિત્યરસિક ધર્મપ્રિય કાશીનરેશે પણ એ સાંભળવા જેવાં છે.
કાશીનરેશ પોતે સંસ્કૃતના પંડિત હતા એટલે મહારાજશ્રીને સાંભળવા માટે એમની ઉત્સુકતા વધી ગઈ. એક દિવસ એમણે મહારાજશ્રીને પોતાના મહેલમાં વ્યાખ્યાન આપવા માટે પધારવાનું નિમંત્રણ આપ્યું. મહારાજશ્રીએ એ નિમંત્રણ સ્વીકાર્યું.
કાશીના રાજાએ મહારાજશ્રીને પુછાવ્યું હતું કે રાજમહેલમાં પધારવા એમને માટે બે ઘોડાની ગાડી (ફાઇટન) મોકલાવે અથવા જો નદી ઓળંગીને તેઓ આવવા ઇચ્છતા હોય તો નાવ મોકલાવે. પરંતુ મહારાજશ્રીએ કહેવરાવ્યું કે પોતાને ફાઈટન કે નાવ કે કશા વાહનની જરૂર નથી. કારણ કે જેન સાધુઓ વાહનનો ઉપયોગ કરતા નથી. ગંગા નદી પાર કરવા માટે નાવમાં બેસી સામે કિનારે ઊતરતાં રાજમહેલ સાવ પાસે પડે, પરંતુ નાવમાં ન બેસવું હોય તો ત્યાં પહોંચવા માટે પાંચ માઈલનો રસ્તો હતો. મહારાજશ્રી નાવમાં ન બેઠા, પરંતુ પોતાના શિષ્યો સાથે પાંચ માઈલનો વિહાર કરીને રાજમહેલમાં પહોંચ્યા.
રાજમહેલમાં કાશીનરેશે મહારાજશ્રીનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું. રાજસભામાં કાશીના મોટા મોટા પંડિતોને પણ બોલાવવામાં આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org