________________
૨૨૦
પ્રભાવક સ્થવિરો
લાગે છે કે અત્તરની ખરીદી અને તે પણ પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં, એ તો હદ થાય છે. આ આપને જરા પણ શોભતું નથી. ભગવાન મહાવીરના શાસનમાં આ કેટલું બધું અધઃપતન !'
શ્રીપૂજ્યની સામે કોઈ બોલે એ કેમ સહન થાય ? તરત વાતાવરણ બદલાઈ ગયું. કેટલાક યતિઓ શ્રી રત્નવિજયજી ઉપર ગુસ્સે થયા. બોલાચાલી થઈ ગઈ. વાતાવરણ ઉગ્ર બની ગયું. શ્રી રત્નવિજયજીએ ચેતવણી આપતાં કહ્યું, ‘શ્રીપૂજ્યજી ! યાદ રાખજો, હવે દિવસો જુદા આવી રહ્યા છે. લોકો યતિજીવનના આ શિથિલાચારને વધુ ચલાવી નહિ લે. મેં પોતે પણ યતિજીવનના ક્રિયોદ્ધારનો સંકલ્પ કર્યો છે !'
શ્રીપૂજ્ય પાસેથી ચાલી આવીને શ્રી રત્નવિજયજી પોતાને સ્થાને બેઠા, પણ એમના હૈયામાં અજંપો હતો. કેટલાક યતિઓ એમની સાથે સંમત હતા, તો કેટલાક એમની વિરુદ્ધ પણ હતા. શ્રાવકોમાં પણ પછી બે પક્ષ પડી ગયા હતા. શ્રી રત્નવિજયજીના મનમાં વિમાસણ થઈ કે આવા તંગ વાતાવરણમાં અહીં રહેવું કે કેમ ? તેમણે તરત નિર્ણય લઈ લીધો કે આ સ્થળ છોડીને, વિહાર કરીને પોતે હવે બીજે ચાલ્યા જવું જોઈએ. પરંતુ ચાતુર્માસ અને તે પણ પર્યુષણ પર્વના દિવસોમાં વિહાર કેવી રીતે થઈ શકે ? તો પણ અપવાદરૂપ સંજોગોમાં આપદ્ધર્મ સમજીને તેમણે પોતાનાં ઉપકરણો સાથે ત્યાંથી તરત વિહાર કરવાનું નક્કી કર્યું. કેટલાક યતિઓ એમની સાથે જોડાયા. કેટલાક યતિઓએ અને લોકોએ રોકાઈ જવા માટે ઘણી વિનંતી કરી. પણ તે તેમણે માની નહિ. વિહાર કરીને તેઓ નાડોલ પધાર્યા અને શેષ ચાતુર્માસ ત્યાં પૂરું કર્યું. અત્તરની આ ઘટના રાજસ્થાનમાં યતિઓમાં અને શ્રાવકોમાં વિવાદનો એક મોટો વિષય બની ગઈ.
ચાતુર્માસ પછી રત્નવિજયજી ત્યાંથી વિહાર કરીને પોતાના ગુરુ મહારાજ શ્રી પ્રમોદસૂરિ પાસે આહોર પહોંચ્યા. ગુરુમહારાજને બનેલી ઘટનાની વિગતે બધી વાત કરી. અલબત્ત, તે પહેલાં જ ગુરુમહારાજ પાસે ગૃહસ્થો દ્વારા બધી વાત પહોંચી જ ગઈ હતી. પરંતુ હવે શ્રી રત્નવિજયજી પાસેથી આખી ઘટના કડીબદ્ધ રીતે જાણવા મળી. એ સાંભળીને ગુરુમહારાજે શ્રી રત્નવિજયજીને ધન્યવાદ આપ્યા. યતિઓ, શ્રીપૂજ્યોમાં પ્રવેશેલો શિથિલાચાર ઉત્તરોત્તર વધતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org