________________
૨૮૪
પ્રભાવક સ્થવિરો
ત્યારે ગોંડલની વૈષ્ણવ હવેલીના ગોસાંઈજી મહારાજની તેના ઉપર નજર પડી. એ તેજસ્વી બાળકને બોલાવીને તેની સાથે વાતચીત કરતાં બાળક દીક્ષા લેવાના છે એ વાત જાણીને આવા તેજસ્વી બાળક પોતાની હવેલીમાં આવીને રહે અને પોતાના ઉત્તરાધિકારી બને એવો વિચાર તેમને થયો. એ માટે તેમણે બાળક પાસે દરખાસ્ત મૂકી જોઈ અને હવેલીમાં રહેવાથી કેવાં સરસ વસ્ત્રાભૂષણ પહેરવા મળશે, કેવું સરસ ખાવા-પીવાનું મળશે અને કેટલી મોટી મિલકતના વારસદાર થવાશે તે બતાવ્યું. પરંતુ બાળક અજરામર તેનાથી જરાપણ લલચાયો નહિ. તેમને તો ત્યાગ-વૈરાગ્યમાં જ પોતાને રસ છે અને સંયમનો માર્ગ જ પોતે ગ્રહણ કરવા માગે છે તેના ઉપર ભાર મૂક્યો. બાલ્યકાળમાં પણ અજરામરની દૃષ્ટિ કેટલી સાચી, સ્વસ્થ અને સ્થિર હતી તે આ પ્રસંગ ઉપરથી જોઈ શકાશે.
દીક્ષા પછી અજરામરસ્વામીએ પોતાનો અભ્યાસ વધારી દીધો. જુદે જુદે સ્થળે કેટલાંક ચાતુર્માસ કર્યા પછી પૂ. શ્રી હીરાજીસ્વામીને એવી ભાવના થઈ કે બાલમુનિને વધુ અભ્યાસ કરાવવા માટે સુરત તરફ વિહાર કરવો, કારણ કે સુરતમાં ત્યારે સારા પંડિતો હતા. વિ. સં. ૧૮૨૬માં પૂ. શ્રી હરાજીસ્વામી, પૂ. શ્રી કાનજીસ્વામી અને બાળમુનિ પૂ. શ્રી અજરામરસ્વામી ચાતુર્માસ પછી ભરૂચથી સુરત તરફ વિહાર કરી રહ્યા હતા. તેઓ નર્મદા નદી ઓળંગવા માટે એના રેતીના પટમાંથી પસાર થઈ રહ્યા હતા. નદી ઓળંગી તેઓ સામે એક વૃક્ષની છાયામાં થાક ખાવા બેઠા હતા. એ વખતે સુરતનિવાસી ખરતરગચ્છના શ્રીપૂજ્ય યતિશ્રી ગુલાબચંદજી પણ ભરૂચથી સુરત પાછા ફરી રહ્યા હતા. એમણે રેતીમાં મોટાં પગલાંની સાથે નાનાં પગલાં પણ જોયાં. તેઓ સમર્થ લક્ષણવત્તા હતા. પગલાં જોતાં જ તેમને થયું કે આ કોઈ તેજસ્વી બાળકનાં પગલાં છે. સામે કિનારે પહોંચી તેમણે હીરાજીસ્વામી વગેરેને વૃક્ષ નીચે જોયા એટલે વંદન કરી પૂછ્યું, “મહારાજ! આપ ક્યાંથી પધારો છો ? કઈ બાજુ વિહાર કરવાના છો ?'
હીરાજીસ્વામીએ પોતે લીંબડીથી વિહાર કરી સુરત જઈ રહ્યા છે તેની વાત જણાવી. વળી બાળમુનિને સંસ્કૃત ભાષાસાહિત્ય તથા દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરાવવાની ભાવના છે એ પણ કહ્યું. શ્રીપૂજ્ય ગુલાબચંદજીએ પોતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org