________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૨૯૧
ચાલ્યો જતો, અને ગમે ત્યારે પાછો આવતો. બારતેર વર્ષની ઉંમર થઈ તો પણ તે “ઢ' જેવો રહ્યો હતો. વળી ખરાબ મિત્રો સાથે રખડવાને લીધે તથા તેવોની સોબતને લીધે તેને નાનપણમાં જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી. જુગારમાં તે ધીમે ધીમે મોટી રકમની હારજીત કરવા લાગ્યો હતો. એક વખત તે વધુ રકમ હારી ગયો એટલે પોતાના હાથ ઉપરનું સોનાનું ઘરેણું શરાફને ત્યાં ગીરો મૂકીને એના રૂપિયા લઈને જુગારની ખોટ તેણે ચૂકવી હતી. એ વાતની જ્યારે ઘરમાં બધાને ખબર પડી ત્યારે મૂળચંદને ભાઈઓએ તથા પિતાશ્રીએ બહુ માર માર્યો હતો. પિતાશ્રીને માથે આ રીતે ઘરેણાં છોડાવવા માટે દેવું થઈ ગયું. મૂળચંદ ફરી જુગાર રમવા ન જાય એ માટે કુટુંબનાં સભ્યોએ ચાંપતી નજર પણ રાખવા માંડી.
કિશોર મૂળચંદની પાસે હવે પૈસા નહોતા એટલે વધુ જુગાર રમવાની કોઈ શક્યતા નહોતી. વળી પૈસા નહોતા એટલે કોઈ જુદો ધંધો કરીને કમાવાને અવકાશ પણ નહોતો. આ સંજોગોમાં મૂળચંદે મહુવામાં એક કંદોઈને ત્યાં નોકરી ચાલુ કરી. મહિને લગભગ એક રૂપિયાના પગારમાં કંદોઈ આખો દિવસ જાતજાતની મજૂરી કરાવતો. મજૂરીના પૈસામાંથી થોડા વાપરતાં વાપરતાં બાકીના જે બચતા તે બચાવીને મૂળચંદે પોતાની પાસે છ રૂપિયા જેટલી રકમ એકઠી કરી હતી. એ જમાનામાં એ ઘણી સારી રકમ કહેવાય.
રૂપિયા હાથમાં આવતાં મૂળચંદના મનમાં જાતજાતના તર્ક ચાલવા લાગ્યા. એટલા રૂપિયા કાં તો લેણદારને આપી શકાય અથવા ઘરે પિતાજીને આપી શકાય અથવા એટલા રૂપિયાનો ફરી એક વાર જુગાર રમી શકાય. મૂળચંદને ત્રીજો વિકલ્પ વધુ ગમ્યો, કારણ કે જુગારનો ચટકો હજુ ઓછો થયો નહોતો. વળી જો જુગારમાં જીતી ગયા તો માથેથી દેવું પણ ઊતરી શકશે અને પિતાજીને બતાવી દઈ શકાય કે, “જુગારમાં હું જીતી પણ શકું છું.”
છ રૂપિયા લઈ મૂળચંદે ફરી પાછો ખાનગીમાં જુગાર રમવો ચાલુ કર્યો. આ વખતે નસીબે એને યારી આપી. તે જુગારમાં જીતતો ગયો. એમ કરતાં આ વખતના જુગારમાં સારી રકમ કમાયો. એને થયું કે આ રકમ દ્વારા પિતાજીનું દેવું ચૂકવી દઉં. એણે પિતાજીના હાથમાં રૂપિયા મૂક્યા. પિતાજીને એથી નવાઈ લાગી. બીજી બાજુ દેવું ચૂકતે થયું એથી પિતાજીને સંતોષ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org