________________
૨૮૬
પ્રભાવક સ્થવિરો
મહત્ત્વની પોથીઓ પોતાની સાથે લઈ જવા માટે અજરામર સ્વામીને આપી હતી. (આ બધી પોથીઓ અને અજરામરસ્વામીના પોતાના હાથે લખેલી પ્રતો લીંબડીના જ્ઞાનભંડારમાં આજે પણ સચવાયેલી છે.)
આમ અજરામરસ્વામીના વિદ્યાભ્યાસ નિમિત્તે સુરતનો મૂર્તિપૂજક સમુદાય અને સ્થાનકવાસી સમુદાય બંને ઉદારદિલથી એકબીજાની વધુ નજીક આવ્યા. એને જ કારણે અજરામરસ્વામીની માત્ર જૈન સંપ્રદાયો પૂરતી જ નહિ, જૈન અને જેનેતર ધર્મો વચ્ચે પણ વિશાળ અને ઉદાર દૃષ્ટિ ખીલી હતી. અજરામરસ્વામીનું વ્યક્તિત્વ એવું પવિત્ર અને ઉદાત્ત હતું કે એમની ઉપસ્થિતિમાં સાંપ્રદાયિક સંકુચિતતાની વાત ટકી શકતી નહિ.
યુવાન અજરામરસ્વામી ઊંડો શાસ્ત્રાભ્યાસ કરીને જ્યારે લીંબડી પધાર્યા હતા ત્યારે લીંબડીના લોકોએ તેમના પ્રત્યે ઘણો બધો આદરભાવ દર્શાવ્યો હતો. પરંતુ અજરામરસ્વામીએ કહ્યું કે પોતે જ્ઞાનમાં હજુ અધૂરા છે અને તેની ઇચ્છા માળવામાં વિચરતા શ્રી દોલતરામજી મહારાજ પાસે આગમશાસ્ત્રોનો અભ્યાસ કરવાની છે. એ માટે કાં તો તેઓ કાઠિયાવાડમાં પધારે અને કાં તો પોતે તેમની પાસે જઇને અભ્યાસ કરવો જોઇએ. સંઘે વિચાર્યું કે જો દોલતરામજી મહારાજ ઝાલાવાડમાં પધારે તો બીજા લોકોને પણ લાભ મળે. એ માટે ખાસ માણસ મોકલીને સમગ્ર પરિસ્થિતિ સમજાવી શ્રી દોલતરામજી મહારાજને વિનંતી કરવામાં આવી. શ્રી દોલતરામજી મહારાજે એનો સ્વીકાર કર્યો. તેઓ પોતાના શિષ્ય-સમુદાય સાથે અમદાવાદ થઈને લીંબડી પધાર્યા. ઝાલાવાડમાં તેઓ બે વરસ વિચર્યા અને અજરામરસ્વામીએ તેમની પાસે આગમશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ પાછા ફર્યા ત્યારે અજરામરસ્વામીએ તેમને પોતાના ગ્રંથસંગ્રહમાંથી કેટલાક ઉત્તમ મૂલ્યવાન ગ્રંથો ભેટ આપ્યા હતા.
અજરામરસ્વામી શાસ્ત્રજ્ઞાતા થયા હતા અને શાસનનો ભાર ઉપાડી શકે એવા તેજસ્વી હતી. એ જોઈ સંઘે વિ. સં. ૧૮૪૫માં લીંબડીમાં મોટું સંમેલન યોજી એમને ૩૫ વર્ષની યુવાન વયે આચાર્યપદે સ્થાપ્યા હતા. ત્યારે સંપ્રદાયમાં જે કંઈ શિથિલતા હતી તે દૂર કરવા એમણે જબરો પુરુષાર્થ કર્યો હતો. મહાસતીજીઓના વિદ્યાભ્યાસ માટે પણ તેમણે પ્રબંધો કરાવ્યા હતા. તેમના વ્યક્તિત્વમાં સરળતા, નમ્રતા, વત્સલતા, મધુરતા, ઉદારતા, ગંભીરતા વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org