________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૪૭
એવો નિર્ણય એમણે જાહેર કર્યો. વ્યાખ્યાન પછી તેમણે દેરાસરમાં જઈ જિનેશ્વર ભગવાનનાં દર્શન કર્યા. ચૈત્યવંદનાદિ કર્યા. પોતાના સંલેખનાના સંકલ્પને પ્રભુ સમક્ષ મનોમન દોહરાવી તેઓ ઉપાશ્રયમાં પધાર્યા. પોતાનાં બે વસ્ત્ર અને સંથારા સિવાય બધાં ઉપકરણો વગેરેનો ત્યાગ કરી તેમણે વિધિપૂર્વક સંથારો લીધો.
રાજગઢમાં મહારાજશ્રીએ સંથારો લીધો છે એ સમાચાર ગામેગામ પ્રસરી ગયા. એમનાં અંતિમ દર્શન માટે એમના હજારો ભક્તો રાજગઢ આવી પહોંચ્યા. મહારાજશ્રી ઉપાશ્રયમાં પોતાના સંથારામાં પદ્માસન વાળીને ધ્યાનમાં બેઠા હતા. શિયાળાના એ દિવસો હતા. મહારાજશ્રી એ જ આસનમાં માત્ર બે જ વસ્ત્ર ધારણ કરીને ચોથ, પાંચમ અને છઠ એમ ત્રણ દિવસ અને ત્રણ રાત સતત ધ્યાનમગ્ન બેસી રહ્યા. છઠની સાંજે મહારાજશ્રીએ બે હાથ જોડી સૌની ક્ષમાયાચના કરી લીધી. અને પછી » મન નમ:નો જાપ ચાલુ કરી દીધો. એમની સાથે પાસે બેઠેલા શિષ્યોએ અને શ્રાવકોએ પણ જાપ ચાલુ કર્યો. ઉપાશ્રયના અંધકારમાં મંત્રજાપના લયબદ્ધ રટણે એક જુદું જ વાતાવરણ નિર્માણ કર્યું. એ વાતાવરણમાં મધરાતે મહારાજશ્રીએ દેહ છોડ્યો.
મહારાજશ્રીનો જન્મદિવસ પોષ સુદ સાતમ ને ગુરુવાર હતો અને એમના કાળધર્મનો દિવસ પણ પોષ સુદ સાતમ ને ગુરુવારનો હતો. પૂરાં એંશી વર્ષનું આયુષ્ય થયું. એમના કાળધર્મના સમાચાર ગામેગામ પહોંચી ગયા. એ સમાચાર મળતાં ઘણા ભક્તો પણ રાજગઢ આવી પહોંચ્યા.
રાજગઢથી અઢી કિલોમીટર દૂર મોહનખેડા તીર્થની સ્થાપના મહારાજશ્રીની પ્રેરણાથી થઈ હતી. એ તીર્થભૂમિમાં મહારાજશ્રીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કારનો નિર્ણય થયો. એમની ભવ્ય પાલખી નીકળી. એમની અંતિમ યાત્રામાં રાજગઢના નગરજનો ઉપરાંત આસપાસનાં ગામોમાંથી આવેલા ઘણા માણસો જોડાયા હતા. મોહનખેડા તીર્થના પટાંગણમાં એમના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે એમના હજારો ભક્તો પોતાના ગુરુમહારાજના વિયોગથી શોકમગ્ન બની ગયા હતા.
મોહનખેડા તીર્થમાં ત્યાર પછી એમની સ્મૃતિમાં એક સરસ સમાધિમંદિર બાંધવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org