________________
૨૬૪
પ્રભાવક સ્થવિરો
લેતા અને ત્યાર પછી ચાદર શરીરે વીંટાળી સ્વસ્થાનકે આવી વસ્ત્ર કાઢી નગ્નાવસ્થામાં રહેતા. રસ્તામાં તેમને જોવા માટે લોકોનાં ટોળાં ન થાય એ જ આશય હતો. પરંતુ શાંતિસાગરજી મહારાજે આચારમાં પ્રવેશેલી આવી શિથિલતાઓને દૂર કરાવીને પોતાના શુદ્ધ નિરતિચાર સંયમપાલન દ્વારા સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એથી જ એમના સમયથી દિગમ્બર સાધુઓનો સમુદાય, સંખ્યાની દૃષ્ટિએ વૃદ્ધિ પામતો ગયો હતો અને તેમાં પ્રવેશેલી શિથિલતાઓ દૂર થઈ હતી. મહારાજશ્રીએ આ રીતે દિગમ્બર મુનિ સંસ્થાને વધુ સુદઢ બનાવી હતી.
વિ. સં. ૧૯૭૯ (ઈ. સ. ૧૯૨૩)માં મુનિ શાંતિસાગરજીએ કોશૂર નામના ગામની અંદર ચાતુર્માસ માટે સ્થિરતા કરી હતી. નગ્ન મુનિ તરીકેનું આ તેમનું પ્રથમ ચાતુર્માસ (વર્ષાવાસ) હતું. કોણૂર ગામ પાસે પ્રાચીન સમયની એક ગુફા છે. એમ કહેવાય છે કે પ્રાચીન સમયમાં કોઈક રાજાએ મુનિઓને ધ્યાન ધરવા માટે આ ગુફા બનાવેલી હતી. મહારાજશ્રી એ ગુફામાં ધ્યાન ધરવા માટે જવા લાગ્યા. એક દિવસ બપોરે તેઓ ગુફામાં ધ્યાન ધરવા બેઠા હતા તે વખતે એક સાપ ત્યાં આવ્યો. એ ગુફાના દ્વાર પાસે કેટલાક લોકો નાળિયેર ધરાવતા. કોઈ એક સજ્જન ત્યાં નાળિયેર ધરાવવા આવ્યા. એ જોઈને સાપ ગુફામાં અંદર દોડ્યો અને મહારાજશ્રીના પગ નીચે લપાઈ ગયો. આ વાતની ખબર પડતાં ત્યાં કેટલાક લોકો જમા થઈ ગયા. લોકોને લાગ્યું કે જો કાંઈ વધુ ઘોંઘાટ થશે તો સાપ કદાચ મહારાજશ્રીને કરડશે, એટલે ચુપચાપ જોવા લાગ્યા. મહારાજશ્રી તો ધ્યાનમગ્ન હતા. સાપે એમના શરીર ઉપર ચડઊતર કર્યા કરી, પરંતુ એથી મહારાજશ્રી પોતાના ધ્યાનમાંથી વિચલિત થયા નહોતા. કેટલીક વાર પછી અંધારાનો લાભ લઈ એ સાપ ત્યાંથી ભાગી ગયો.
મહારાજશ્રીના સાધુજીવનમાં સાપના આવા પ્રસંગો ઘણી વાર બન્યા હતા. કર્ણાટકમાં સાપનો ઉપદ્રવ વધારે અને મહારાજશ્રીને ગામથી બહાર એકાન્ત, નિર્જન, ક્યારેક અવાવરુ જગ્યામાં મુકામ કરવાનો રહેતો. એટલે આવા પ્રસંગો બન્યા હતા. પરંતુ તેથી તેઓ ક્યારેય અસ્વસ્થ કે ધ્યાનથી વિચલિત થયા નહોતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org