________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૪૩
એમના ચહેરા પરથી મહારાજશ્રીને લાગ્યું કે તેઓ પહેલાં જેવા પ્રસન્ન નથી, પણ કંઈક વ્યથિત જણાય છે. મહારાજશ્રીએ પૂછ્યું તો જાણવા મળ્યું કે વેપારમાં તેમને ખોટ ગઈ છે. તેઓ દેવાદાર થઈ ગયા છે. મહારાજશ્રીએ તેમને કહ્યું, ભાઈ ધનરાજ ! તમે ગામ છોડીને વહેલામાં વહેલી તકે મુંબઈ ચાલ્યા જાવ, તમારી બધી સમસ્યાઓ ત્યાં ઊકલી જશે.'
ધનરાજ પોતાના કુટુંબ સાથે તરત મુંબઈ આવ્યા. ત્યાં સૂતર બજારના એક વેપારીનો સંપર્ક થયો. એમની સાથે ભાગીદારીમાં કામ ચાલુ થયું. તેઓ સારું કમાયા. થોડા વખતમાં જ ધનરાજે બધું દેવું ચૂકતે કર્યું. ક્રમે ક્રમે થોડાં વર્ષોમાં તેઓ લાખો રૂપિયા કમાયા. ગુરુમહારાજના આશીર્વાદથી આ થયું એટલે ગુરુમહારાજ પર તેમની શ્રદ્ધા વધી ગઈ અને મહારાજશ્રીની પ્રેરણા અનુસાર ધાર્મિક પ્રસંગોમાં ઘણી વખત મોટી રકમનું દાન તેઓ આપતા રહ્યા હતા.
એક વખત મહારાજશ્રી રાજગઢમાં બિરાજમાન હતા. ત્યાં રહેતા ચુનીલાલ નામના એક ગરીબ શ્રાવક આજુબાજુનાં ગામોમાં જઈ નાનીનાની ચીજવસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા. એક દિવસ એમને થયું કે આજે મહારાજશ્રીના આશીર્વાદ લઈ વેચવા જાઉં. તેઓ ઘરેથી નીકળી ઉપાશ્રય પહોંચ્યા. મહારાજશ્રીને કહ્યું, “ગુરુદેવ ! આજે હું સરદારપુર જાઉં છું.”
ચુનીલાલ સરદારપુર જવા રવાના થયા. ત્યાં અંગ્રેજોની લશ્કરી છાવણી હતી. રસ્તામાં એક વૃક્ષ નીચે બે અંગ્રેજ અમલદારો બેઠા હતા. તેઓ કંઈક હિસાબ કરતા હતા, પણ હિસાબ બરાબર બેસતો નહોતો. તેઓએ ત્યાંથી પસાર થતા ચુનીલાલને બોલાવ્યા. હોશિયાર ચુનીલાલે તેમને હિસાબની બધી સમજ પાડી. એથી અંગ્રેજોને સંતોષ થયો. આવા હોશિયાર માણસને લશ્કરમાં હિસાબ માટે નોકરીએ રાખી લેવો જોઈએ એમ તેમને લાગ્યું. તેઓએ ચુનીલાલ પાસે પ્રસ્તાવ મૂક્યો. ચુનીલાલે લશ્કરમાં ખજાનચી તરીકે નોકરી સ્વીકારી લીધી. આગળ જતાં તેમાં તેમણે ઘણી પ્રગતિ કરી અને સારા પગારને લીધે ઘણું ધન બચાવી શક્યા. રાજગઢમાં તેમનું કુટુંબ ખજાનચી પરિવાર તરીકે પંકાયું. અંગ્રેજોએ તેમની પ્રામાણિક અને કુશળતાભરી સેવાના બદલામાં તેમને રાયબહાદુરનો ઈલકાબ આપ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org