________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૩૩
શ્રાવકોએ કહ્યું, “પરંતુ મહારાજજી ! આ તો ઝેર જેવું કડવું શાક છે. એ માટે કંઈક કરવું જોઈએ.”
મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, એથી અમને કંઈ જ નહિ થાય. તમે ચિંતા ન કરશો.”
આમ છતાં શ્રાવકોના આગ્રહને વશ થઈ આયુર્વેદના જાણકાર મહારાજશ્રીએ મોહનવિજયજીને મોકલી એક શ્રાવકના ઘરેથી લીમડાનાં સૂકાં પાન મંગાવ્યાં. પાન આવ્યા એટલે તેઓ બંનેએ તે ખાઈ લીધાં.
બે દિવસ સુધી તેમને કંઈ થયું નહિ ત્યારે શ્રાવકોને શાંતિ થઈ.
મહારાજશ્રી કેટલીક વાર અભિગ્રહયુક્ત તપશ્ચર્યા કરતા. એક વાર તેઓનું રતલામમાં ચાતુર્માસ હતું અને પર્યુષણ પર્વમાં એમણે ઉપવાસ કરી મનમાં એવો અભિગ્રહ ધારણ ક્યું કે કોઈ શ્રાવક આવીને બાર વ્રત ધારણ કરે પછી જ ગોચરી વહોરવા જવું. મહારાજશ્રીને પારણાં માટે ગોચરી વહોરવા પોતાને ઘરે પધારવા ઘણા કહી ગયા, પણ મહારાજશ્રી ગોચરી વહોરવા નીકળતા નહોતા. એથી બીજા સાધુઓને પણ આશ્ચર્ય થયું. એવામાં રિખવચંદ નામના એક શ્રાવક આવ્યા. એમણે કહ્યું, “ગુરુદેવ ! પર્યુષણ પર્વમાં આપની વાણી સાંભળીને ઘણી પ્રેરણા મળી છે. એથી મને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરવાની ભાવના થઈ છે. માટે આજે મને બાર વ્રતની બાધા આપો.' મહારાજશ્રીએ એમની પાત્રતાની ખાતરી કરી એમને બાર વ્રત અંગીકાર કરાવ્યાં. અભિગ્રહ પૂરો થયા પછી તેઓ ગોચરી વહોરવા નીકળ્યા. ગોચરમાં પણ એમણે કોઈ એક વાનગી અંગે અભિગ્રહ ધારણ કરેલો. તે પ્રમાણે જ્યારે ગોચરી મળી ત્યારે જ તેમણે વહોરી હતી.
મહારાજશ્રી ગોચરી અંગે વારંવાર આવા જાતજાતના અભિગ્રહ કરતા અને તે પ્રમાણે ગોચરી ન મળે તો ઉપવાસ કરતા.
એક વખત રાજગઢમાં મહારાજશ્રીએ એવો એક બહુ વિચિત્ર અભિગ્રહ ધારણ કરેલો કે કોઈ મને ગોચરીમાં પહેલાં રાખ વહોરાવે પછી જ બીજી વાનગી વહોરવી મહારાજશ્રીએ મનમાં લીધેલા આ અભિગ્રહની કોઈને ખબર નહોતી. પહેલે દિવસે મહારાજશ્રી ગોચરી વહોરવા નીકળ્યા, પણ ગોચરી વગર ઉપાશ્રયમાં પાછા ફર્યા ત્યારે લોકોને ખબર પડી કે મહારાજશ્રીએ કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org