________________
[૧૦]||
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
વિક્રમના ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં અને વીસમા શતકના પૂર્વાર્ધમાં જૈન શાસન ઉપર પ્રભાવ પાડનાર જે કેટલીક મહાન જન વિભૂતિઓ થઈ ગઈ તેમાં સ્વ. પ. પૂ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબનું સ્થાન અનોખું છે. તેઓ રાજસ્થાનના વતની હતા, પરંતુ તેમનું કાર્યક્ષેત્ર રાજસ્થાન અને ગુજરાત ઉપરાંત મુખ્યત્વે મધ્ય પ્રદેશનું રતલામ અને એની આસપાસના વિસ્તારનું હતું. યુવાન વયે ઝવેરાતનો ધીકતો ધંધો છોડીને તેઓ સંયમના માર્ગે ચાલી નીકળ્યા હતા. તેમણે દીક્ષા યતિજીવનની લીધી હતી, પરંતુ તેમાંથી શિથિલાચાર દૂર કરવા તેમણે નીડરતાપૂર્વક ક્રાન્તિકારી પગલાં લીધાં હતાં. એથી એમને સહન ઘણું કરવું પડ્યું હતું. પરંતુ તેમની ત્યાગમય સાધના-તપશ્ચર્યા ઘણી જ ઊંચી હતી. એથી જ પચાસથી વધુ વિદ્વભોગ્ય ગ્રંથોની રચના ઉપરાંત “અભિધાન રાજેન્દ્રકોશ'ની એમની રચના વિશ્વવિખ્યાત અને અદ્યાપિ અજોડ રહી છે. એમણે કોશ સિવાય બીજું કશું જ ન લખ્યું હોય તો પણ આ કોશ એમની ચિરસ્મરણીય યશગાથારૂપ બની રહે એવો છે. - શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજસાહેબનો જન્મ રાજસ્થાનમાં ભરતપુરમાં થયો હતો. એમના પિતાનું નામ ઋષભદાસ પારેખ તથા માતાનું નામ કેસરબાઈ હતું. ઋષભદાસ પારખનો ઝવેરાતનો વ્યવસાય હતો. તેઓની ગણના ભરતપુરના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓમાં થતી હતી. ઋષભદાસ અને કેસરબાઈ શ્રદ્ધાવંત અને ધર્મિષ્ઠ હતાં.
એક દિવસ કેસરબાઈએ પોતાના પતિને કહ્યું, “આજે રાતના મને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્નમાં કોઈ શ્વેત વસ્ત્રધારી દેવે મને એક કીમતી રત્ન આપ્યું.” આવા શુભ સ્વપ્નનો શો સંકેત હશે તે જાણવાની ઉત્સુકતાથી ઋષભદાસે ઉપાશ્રયે જઈને સાધુ ભગવંતને તે વિશે પૂછ્યું. તેમણે કહ્યું, “તમને હવે જે સંતાનની પ્રાપ્તિ થશે તે રત્ન સમાન મહાન તેજસ્વી હશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org