________________
શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ
૨૧૫
ભાવના થઈ. શ્રી ધરણેન્દ્રસૂરિની આજ્ઞા લઈને તેઓ વિહાર કરીને આહોર પહોંચ્યા. એમની આ ગેરહાજરીની તકનો લાભ લઈ કેટલાક યતિઓએ શ્રી રત્નવિજયજીની વિરુદ્ધ એક ખાનગી પત્ર (રુક્કો) શ્રી ધરણેન્દ્રસૂરિને લખ્યો. એમાં શ્રી રત્નવિજયજી વિરુદ્ધ મુખ્ય ગંભીર આક્ષેપ દફ્તરી તરીકે નાણાંની ગોલમાલ કરવાનો હતો.
આ એક બહુ ગંભીર આક્ષેપ હતો. પત્ર ખાનગી હતો, પણ ખાનગી રહ્યો નહિ. ચર્ચાનો વિષય બની ગયો. શ્રી ધરણેન્દ્રસૂરિને સંપૂર્ણ ખાતરી હતી કે શ્રી રત્નવિજયજી બહુ જ ત્યાગી અને પ્રામાણિક છે. તેઓ કદાપિ આ પ્રમાણે નાણાંની ગોલમાલ કરે જ નહિ. પૂરી તપાસ એમણે કરી. નાણાંની કશી જ ઉચાપત થઈ નહોતી. શ્રી ધરણેન્દ્રસૂરિ એ વખતે જોધપુર પહોંચ્યા હતા. ત્યાં યતિઓની સભા ભરવામાં આવી. એમાં આક્ષેપોની ચર્ચા થઈ અને પૂરી તપાસ અને ચકાસણીને અંતે નિર્ણય કરવામાં આવ્યો કે શ્રી રત્નવિજયજીએ નાણાંની કશી જ ઉચાપત કરી નથી. એમની પાસે કોઈ જ રકમ લેણી નીકળતી નથી.
આ આક્ષેપોની વાત આહારમાં શ્રી રત્નવિજયજી સુધી પહોંચી ગઈ. આથી તેમનું મન નારાજ થઈ ગયું. તેઓ નિર્દોષ છે એવી મતલબના જોધપુરના ઠરાવની નકલ તેમને મોકલવામાં આવી. પરંતુ એથી એમના મનનું સમાધાન થયું નહિ. તેઓ શ્રી ધરણેન્દ્રસૂરિ પાસે પાછા ફર્યા નહિ. એથી ગચ્છની વ્યવસ્થાની જવાબદારી શ્રી ધરણેન્દ્રસૂરિને માથે આવી પડી. તેઓ બિનઅનુભવી હતા. આ વ્યવસ્થાનું કામ તેમને ફાવતું નહોતું. તેમણે શ્રી રત્નવિજયજીને વારંવાર સંદેશાઓ મોકલાવ્યા. છેવટે વયોવૃદ્ધ અને શાણા ગણાતા યતિ શ્રી મોતીવિયજી રત્નવિજયજી પાસે ગયા. પરંતુ હવે દફ્તરી પદ સંભાળવાની પોતાની કોઈ ઈચ્છા નથી એમ શ્રી રત્નવિજયજીએ જણાવ્યું અને પોતે પોતાની સાથે આવેલા યતિઓ સાથે અન્ય સ્થળે સ્વતંત્ર ચાતુર્માસ કર્યું.
આમ શ્રી રત્નવિજયજીનું શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિ સાથેનું અંતર વધતું ગયું. આથી શ્રી ધરણેન્દ્રસૂરિએ ફરી એક અંગત ખાનગી પત્ર લખ્યો અને જણાવ્યું કે “તમે ફક્ત એક વાર મને અંગત રીતે મળી જાવ તો સારું. મારા પોતાના મનમાં ક્યારેય કંઈ શંકા થઈ નથી. તેમ છતાં મોઢામોઢ કેટલાક ખુલાસા થઈ જાય તો મને સંતોષ થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org